Last Updated on by Sampurna Samachar
દવાઓની કિંમતોમાં ૧.૭% સુધીનો વધારો થવાની શક્યતા
ડાયાબિટીસ, કેન્સર અને હાર્ટની દવાઓ મોંઘી થશે !
(સંપૂર્ણ સમાચાર સેવા)
ટૂંક સમયમાં મોંઘવારીની અસર આરોગ્ય સેવાઓ પર જોવા મળશે. કેન્સર, ડાયાબિટીસ, હૃદયરોગ અને એન્ટિબાયોટિક્સ જેવી આવશ્યક દવાઓના ભાવમાં વધારો થવાની સંભાવના છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, સરકારી સૂત્રોએ ખુલાસો કર્યો છે કે આ દવાઓની કિંમતોમાં ૧.૭% સુધીનો વધારો થવા જઈ રહ્યો છે.
નિષ્ણાતોના મતે ફાર્મા ઉદ્યોગમાં ઉત્પાદન ખર્ચમાં વધારો અને કાચા માલના ભાવમાં વધારો આ ભાવ વધારાના મુખ્ય કારણો છે. ઓલ ઈન્ડિયા ઓર્ગેનાઈઝેશન ઓફ કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ્સ (AIOCD) ના જનરલ સેક્રેટરી રાજીવ સિંઘલનું કહેવું છે કે આનાથી ફાર્મા કંપનીઓને રાહત મળશે, પરંતુ સામાન્ય જનતાને વધારાનો નાણાકીય બોજ સહન કરવો પડશે.
વધેલી કિંમતોથી ફાર્મા ઈન્ડસ્ટ્રીને રાહત મળશે
સરકારનો દાવો છે કે આ વધારો નેશનલ ફાર્માસ્યુટિકલ પ્રાઇસિંગ ઓથોરિટી (NPPA ) ના દવાના ભાવ નિયંત્રણ નિયમો હેઠળ થશે, જેના કારણે તેની અસર મર્યાદિત રહેશે. નવા ભાવની અસર ૨-૩ મહિનામાં બજારમાં જોવા મળશે. ઓલ ઈન્ડિયા ઓર્ગેનાઈઝેશન ઓફ કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ્સ (AIOCD) ના જનરલ સેક્રેટરી રાજીવ સિંઘલનું કહેવું છે કે વધેલી કિંમતોથી ફાર્મા ઈન્ડસ્ટ્રીને રાહત મળશે. કાચા માલની કિંમત અને અન્ય ખર્ચમાં સતત વધારો થઈ રહ્યો છે, જેના કારણે ફાર્માસ્યુટિકલ કંપનીઓને અસર થઈ રહી છે.
સરકાર ભાવ વધારશે પછી તેની અસર ૨ થી ૩ મહિનામાં દેખાશે. તેનું કારણ એ છે કે બજારમાં ૯૦ દિવસનો સ્ટોક પહેલેથી જ ઉપલબ્ધ છે. ફાર્મા કંપનીઓ ઘણી વખત નિયત ભાવ વધારાની મર્યાદાનું ઉલ્લંઘન કરે છે. સંસદીય સ્થાયી સમિતિના અહેવાલ મુજબ, નેશનલ ફાર્માસ્યુટિકલ પ્રાઇસિંગ ઓથોરિટી (NPPA) એ ૩૦૭ કેસમાં ફાર્મા કંપનીઓ નિયમો તોડતી હોવાનું શોધી કાઢ્યું છે.
૨૦૧૩ ના ડ્રગ પ્રાઇસ કંટ્રોલ ઓર્ડર હેઠળ NPPA એ દ્વારા દવાઓની કિંમતો નક્કી કરવામાં આવે છે. કંપનીઓએ નિયત મર્યાદામાં કિંમતો નક્કી કરવાની હોય છે. નેશનલ એસેન્શિયલ મેડિસિન્સ લિસ્ટ ૨૦૨૨ હેઠળ ભાવ નિયંત્રણને કારણે દર્દીઓને વાર્ષિક ૩,૭૮૮ કરોડ રૂપિયાની બચત થઈ હતી.
આ વધારા પછી દર્દીઓ પર તેની કેટલી અસર થશે અને સરકાર આ મુદ્દાને કેવી રીતે સંતુલિત કરે છે તે જોવું રહ્યું. અહીં ઉલ્લેખનીય બાબત એ પણ છે કે સરકારે ૨૦૨૫-૨૦૨૬ ના બજેટમાં બહારથી આયાત થતી દવાની ડ્યુટીમાં રાહત આપી હતી, હવે ઘરેલુ ઉત્પાદિત દવામાં ભાવ વધારો થવાનો છે.