Last Updated on by Sampurna Samachar
૩ વર્ષની માસૂમ બાળકી સાથે હૃદયદ્રાવક ક્રૂરતા
તામિલનાડુના તિરુવલ્લુરના ગુમ્મિડીપુંડી વિસ્તારની ઘટના
(સંપૂર્ણ સમાચાર સેવા)
તામિલનાડુના તિરુવલ્લુર જિલ્લામાં ત્રણ વર્ષની એક બાળકી સાથે થયેલી કથિત યૌન હિંસા અને બાદમાં તેના મોતે સમગ્ર રાજ્યને હચમચાવી દીધું છે. વાત કરીએ તો ગુમ્મિડીપુંડીના ઔદ્યોગિક વિસ્તારમાં રહેતા એક પ્રવાસી પરિવારની માસૂમ બાળકી ગંભીર હાલતમાં ઝાડીઓમાંથી મળી આવી હતી. તેને તરત જ હોસ્પિટલ પહોંચાડવામાં આવી હતી, જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું.

પોલીસે આ મામલે બિહારના રહેવાસી એક પ્રવાસી મજૂરની ધરપકડ કરી છે. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આરોપી અને બાળકીનો પરિવાર એકબીજાને ઓળખતા હતા. આ જ વાતનો ફાયદો ઉઠાવીને આરોપીએ બાળકીને બિસ્કિટની લાલચ આપી અને પોતાની સાથે લઈ ગયો હતો.
ફરી એકવાર સરકારની કાયદો અને વ્યવસ્થા પર સવાલ
પોલીસ અધિકારીઓના જણાવ્યા અનુસાર, ઘટનાના દિવસે બાળકી ઘર પાસે રમી રહી હતી. થોડા સમય પછી તે અચાનક ગુમ થઈ ગઈ હતી. શોધખોળ દરમિયાન વિસ્તારની એક મહિલાએ ઝાડીઓની વચ્ચે બાળકીને ગંભીર રીતે ઘાયલ અવસ્થામાં જોઈ હતી. મહિલાએ તરત જ આસપાસના લોકોને જાણ કરી, જેના પછી બાળકીને હોસ્પિટલ પહોંચાડવામાં આવી હતી. જોકે ડોક્ટરોના તમામ પ્રયાસો છતાં તેનો જીવ ન બચી શક્યો.
સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર, આરોપીને ઘટના બાદ પકડી લેવામાં આવ્યો હતો અને ગુસ્સે ભરાયેલા લોકોએ તેને પોલીસને હવાલે કરી દીધો હતો. ઘટનાને પગલે વિસ્તારમાં ભારે આક્રોશ ફેલાઈ ગયો હતો. કેટલાક અન્ય લોકો પર પણ શંકા જતાવવામાં આવી અને તેમની સાથે મારપીટની ઘટનાઓ સામે આવી હતી.
પોલીસે સ્પષ્ટ કર્યું છે કે અત્યાર સુધીની તપાસમાં માત્ર એક જ આરોપીની ભૂમિકા સામે આવી છે અને આ સામૂહિક ગુનાનો મામલો નથી.પોલીસે પહેલા આરોપી વિરુદ્ધ પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધ્યો હતો. હવે બાળકીના મોત બાદ હત્યા સહિતની અન્ય ગંભીર કલમો પણ ઉમેરવામાં આવી રહી છે. અધિકારીઓનું કહેવું છે કે મામલાની તપાસ ખૂબ જ ઝડપથી કરવામાં આવી રહી છે અને ચાર્જશીટ ટૂંક સમયમાં દાખલ કરવામાં આવશે.આ ઘટના એવા સમયે સામે આવી છે જ્યારે તામિલનાડુમાં મહિલાઓ અને બાળકો વિરુદ્ધ વધી રહેલા ગુનાઓને લઈને પહેલાથી જ ચિંતા બનેલી છે. વિધાનસભા ચૂંટણી દરમિયાન પણ આ મુદ્દો મુખ્યત્વે ઉઠ્યો હતો અને હવે ફરી એકવાર સરકારની કાયદો અને વ્યવસ્થા પર સવાલો ઉભા થઈ રહ્યા છે.