Last Updated on by Sampurna Samachar
૨ એપ્રિલથી ૨૫% ડ્યુટી વસૂલવામાં આવશે તેવી જાહેરાત
રિફાઈનરી રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડે લીધો નિર્ણય
(સંપૂર્ણ સમાચાર સેવા)
ભારતીય અબજોપતિ મુકેશ અંબાણીએ ડોનાલ્ડ ટ્રમ્પની ટેરિફની ધમકીઓ સામે એક મોટો ર્નિણય લઇને ઝટકો આપ્યો છે. અમેરિકાના નિવનિયુક્ત ડોનાલ્ડ ટ્રમ્પ આવતાની સાથે ટેરિફ મુદ્દે આડેધડ ર્નિણયો લઇને વિશ્વભરમાં તબાહી મચાવી છે. ત્યારે મુકેશ અંબાણીએ એક મોટો ર્નિણય લીધો છે. તેમણે દક્ષિણ અમેરિકન દેશોમાંથી તેલ ન ખરીદવાનો ર્નિણય લીધો છે.
દેશની સૌથી મોટી ઓઈલ રિફાઈનરી રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ (RIL) એ વેનેઝુએલા પાસેથી ક્રૂડ ઓઈલની ખરીદી અસ્થાયી રૂપે બંધ કરી દીધી છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા વેનેઝુએલાથી તેલ ખરીદનારા દેશો પર ૨૫% ડ્યુટી લગાવવાની જાહેરાત બાદ આ ર્નિણય લેવામાં આવ્યો છે.
ભારત વેનેઝુએલાના ઓઇલનો મોટો ખરીદદાર
આ ર્નિણય પરથી સ્પષ્ટ થાય છે કે મુકેશ અંબાણી ટ્રમ્પને ટેરિફ ચૂકવવા ઈચ્છતા નથી. નોંધનીય છે કે ભારતની સૌથી મોટી ખાનગી રિફાઈનરી રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ વેનેઝુએલાથી ક્રૂડ ઓઈલની આયાત કરી રહી છે. કંપનીને ગયા વર્ષે યુએસ સત્તાવાળાઓ પાસેથી આ આયાત માટે ખાસ પરવાનગી મળી હતી. જોકે, રાષ્ટ્રપતિ ટ્રમ્પના નવા આદેશ મુજબ, વેનેઝુએલાથી તેલ ખરીદનાર કોઈપણ દેશ પર ૨ એપ્રિલથી ૨૫% ડ્યુટી વસૂલવામાં આવશે. ભારત લગભગ ૯૦% તેલ વેનેઝુએલા પાસેથી ખરીદે છે.
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ હાલમાં વેનેઝુએલાથી મેરે ગ્રેડ ક્રૂડ ઓઇલના છેલ્લા કન્સાઇન્મેન્ટની રાહ જોઈ રહ્યું છે, જે પહેલાથી જ રવાના થઈ ચૂક્યું છે. આ કન્સાઈનમેન્ટ પછી, કંપનીએ વધારાની ખરીદી મોકૂફ રાખવાનો ર્નિણય લીધો છે. અન્ય ભારતીય રિફાઈનરીઓ પણ વેનેઝુએલા પાસેથી તેલ ખરીદી રહી છે. હવે તેઓ તેમની જરૂરિયાતો પૂરી કરવા માટે રશિયાથી તેલની આયાત તરફ વળી શકે છે કારણ કે ત્યાંથી તેલની ઉપલબ્ધતા અને પહોંચ સરળ છે.
ભારત વેનેઝુએલાના ઓઇલનો મોટો ખરીદદાર છે. તેણે ૨૦૨૪ માં ૨૨ મિલિયન બેરલ ઓઇલ આયાત કર્યું. જાન્યુઆરીમાં ખરીદી વધીને ૨,૫૪,૦૦૦ બેરલ પ્રતિ દિવસ (BPD)થી વધુ થઈ ગઈ, જે વેનેઝુએલાની કુલ નિકાસ ૫૫૭,૦૦૦ BPD નો લગભગ અડધો ભાગ છે.
ડિસેમ્બર ૨૦૨૩માં આયાત લગભગ ૧,૯૧,૬૦૦ બેરલ પ્રતિ દિવસ હતી. આમાં, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ (RIL) એ ૧,૨૭,૦૦૦ BPD હાંસલ કર્યું હતું. નવા ટેરિફ ભારતીય રિફાઈનર્સ માટે ખરીદી ખર્ચમાં વધારો કરી શકે છે. સપ્લાય ચેઈન ખોરવાઈ જવાની પણ શક્યતા છે. આદેશમાં કહેવામાં આવ્યું છે કે જ્યાં સુધી કોઈ દેશ ઓછામાં ઓછા એક વર્ષ સુધી વેનેઝુએલાથી ઓઇલ આયાત કરવાનું બંધ ન કરે ત્યાં સુધી ટેરિફ લાગુ રહેશે. જોકે, અમેરિકા પહેલા તેને રદ કરવાનો અધિકાર અનામત રાખે છે.