Last Updated on by Sampurna Samachar
લુખ્ખા તત્વોએ ભીડનો લાભ ઉઠાવ્યો
પ્રેક્ષકો પ્રતિબંધિત ઈ-સિગારેટ ફૂંકતાનો વિડીયો વાયરલ
(સંપૂર્ણ સમાચાર સેવા)
અમદાવાદ શહેરના રિંગ રોડ પર સિંગર હનીસિંહનો કોન્સર્ટ યોજાયો હતો. જેમાં ખિસ્સાકાતરૂ ગેંગે તરખાટ મચાવ્યો હોવાની જાણકારી મળી હતી. જ્યાં ભીડનો લાભ લઈને ચોરોએ કોન્સર્ટ માણવા આવેલા ૨૨ જેટલા પ્રેક્ષકોના મોબાઈલની ચોરી કરી ત્યાંથી ભાગી છૂટયા હતા. આ ઉપરાંત હનીસિંહની કૉન્સર્ટ માણવા આવેલા કેટલાક પ્રેક્ષકો પ્રતિબંધિત ઈ-સિગારેટ ફૂંકતા હોવાનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. આ તમામ મામલે પોલીસ દ્વારા વાયરલ વીડિયોના આધારે તપાસ હાથ ધરવામાં આવી છે.
અમદાવાદમાં અનેક સંગીતના સિતારાઓ આવીને તેમની મ્યુઝિક કોન્સર્ટ કરતા હોય છે અને ચાહકો તેમના પ્રિય સંગીતકારના ગીતો પર ઝુમતા હોય છે. પરંતુ અમદાવાદમાં યોજાયેલા હની સિંહના મ્યુઝિક કોન્સર્ટમાં કંઈક અલગ જ નજારો જોવા મળ્યો હતો.
પોલીસે લોકોની ફરિયાદ આધારે તપાસ હાથ ધરી
શહેરના રિંગ રોડ પર આવેલા સવર્ણ પાર્ટી લોનમાં જાણીતા સિંગર હનીસિંહની કૉન્સર્ટનું આયોજન કરવામાં આવ્યું હતુ. ત્યારે આ કૉન્સર્ટ દરમિયાન ખિસ્સાકાતરૂ ગેંગે રીતસરનો તરખાટ મચાવ્યો હતો. જેમાં ૨૨ જેટલા પ્રેક્ષકોના મોબાઈલ ફોન ચોરાયા હોવાની ફરિયાદ ઉઠી છે. જેનાં કારણે લોકો રોષે ભરાયા હતા. આ મામલે સરખેજ પોલીસ દ્વારા તમામની ફરિયાદ લઈને આગળની તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
સિંગર હની સિંહની યોજાયેલી એક કોન્સર્ટમાં યુવાનો પ્રતિબંધિત વસ્તુઓનું સેવન કરતા પણ જોવા મળ્યા હતા. સ્વાસ્થ્ય માટે હાનિકારક એવી ઈ સિગારેટ પર ભારત સરકારે દેશભરમાં પ્રતિબંધ લાદ્યો છે એવામાં યુવક યુવતીઓ કોન્સર્ટમાં ખુલ્લેઆમ ઈ સિગારેટનું સેવન કરતા જોવા મળતા તંત્રની કામગીરી પર સવાલ ઉઠી રહ્યા છે.