Last Updated on by Sampurna Samachar
સિનીયર સિટીઝને પરિવારના સભ્યોની ૧૦ પોલિસી ખરીદી
બંને આરોપીના રિમાન્ડની કાર્યવાહી હાથ ધરાઈ
(સંપૂર્ણ સમાચાર સેવા)
રાજ્યમાં અવાર નવાર લોકો સાયબર ક્રાઇમ (CYBER CRIME) માં ફસાઇ જતાં હોય છે. ત્યારે સુરતમાં એક સિનીયર સિટીઝનને ફસાવીને લાખો પડાવ્યાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. સુરતના વૃદ્ધને વીમા કંપનીમાંથી બોલતા હોવાની ઓળખ આપી લાખો રૂપિયાની છેતરપિંડી આચરી હતી. જ્યાં અંતે વૃદ્ધને પોતે છેતરાયા હોવાની જાણ થતાં પોલીસનો સંપર્ક કર્યો હતો.
વિગતવાર વાત કરીએ તો સુરત શહેરમાં બે ઠાકોર બંધુઓએ વૃદ્ધને વીમા કંપનીમાંથી બોલતા હોવાની ખોટી ઓળખ આપીને એક જ પરિવાર પાસેથી લાખો રૂપિયા ખંખેરી લીધા હતા. જેમાં માસ્ટરમાઈન્ડ અમિતકુમાર ઠાકોરે સિનીયર સિટીઝનને જૂદી-જૂદી વીમા પોલિસીમાં રોકાણ કરવાની લાલચ આપી. લાલચમાં આંધળા બનેલા સિનીયર સિટીઝને અમિતની વાત માની અને પોતાના પરિવારના સભ્યો માટે ૧૦ પોલિસીની ખરીદી કરી.
બંને આરોપીની ધરપકડ કરી દેવાઇ
પોલિસી જ્યારે પાકવા આવી ત્યારે પણ ગઠીયાઓએ સિનીયર સિટીઝન પાસેથી ચાર્જની વસુલાત કરી અને ૯૮.૮૫ લાખની છેતરપિંડી આચરી. રૂપિયા પરત ન મળતા સિનીયર સિટીઝને સાયબર સેલમાં ફરિયાદ નોંધાવી. જેના આધારે બંને આરોપીની ધરપકડ કરવામાં આવી.
ઉલ્લેખનીય છે કે વીમા પોલિસીના નામે થયેલા સાયબર ફ્રોડમાં માસ્ટર માઈન્ડ અમિત કુમાર ઠાકોર છે. જેણે પોતાના ભાઈ સુમિતાના બેંક એકાઉન્ટમાં ૩૬.૮૧ લાખ રૂપિયા અને બહેનના એકાઉન્ટમાં ૨.૬૫ લાખ રૂપિયા ટ્રાન્ફર કર્યા હતા. પોલીસની ટીમોએ સિનીયર સિટીઝનની બેંક માહિતીના આધારે ટેક્નિકલ વર્કઆઉટ કરીને બંને આરોપીને દબોચી લીધા. હાલ બંને આરોપીના રિમાન્ડની કાર્યવાહી હાથ ધરાઈ છે.