Last Updated on by Sampurna Samachar
૧૭ એપ્રિલ સુધી ભારે વરસાદ અને તોફાનની ચેતવણી
કેટલાક જિલ્લાઓમાં હવામાન વિભાગે એલર્ટ કર્યુ જાહેર
(સંપૂર્ણ સમાચાર સેવા)
દેશમાં ભરઉનાળામાં હવામાન વિભાગ દ્વારા કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. ભારતીય હવામાન વિભાગે મધ્ય પ્રદેશ, ઉત્તર પ્રદેશ અને બિહારના ૯૫ જિલ્લા માટે એલર્ટ જાહેર કર્યું છે. જ્યાં રાજસ્થાનમાં ધૂળની આંધી ફૂંકાઇ શકે છે. ઉત્તર પ્રદેશના ૪૭ જિલ્લામાં ગાજવીજ સાથે માવઠું વરસી શકે છે. આગામી બે દિવસ સુધી મહારાષ્ટ્રના મેદાની વિસ્તારમાં ગાજવીજ સાથે કમોસમી વરસાદની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે. પ્રતિ કિલોમીટર ૪૦ થી ૫૦ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઇ શકે છે. ૧૫ એપ્રિલે અરૂણાચલ પ્રદેશ, ઓડિશા, આસામ અને મેઘાલયમાં ભારે વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે.
બે દિવસ બાદ દેશના અનેક રાજ્યમાં ફરી ગરમીનો પ્રકોપ વધશે. હવામાન વિભાગ અનુસાર વેસ્ટર્ન ડિસ્ટબન્સના સાયક્લોનિક સરક્યુલેશન અને ટ્રફની સક્રિયતા ઘટતા ગરમીની અસર શરૂ થશે. પશ્ચિમ બંગાળ સહિત દેશના ઘણા રાજ્યોમાં ૧૭ એપ્રિલ સુધી ભારે વરસાદની સંભાવના છે. હવામાન વિભાગે ઘણા રાજ્યો માટે એલર્ટ જાહેર કર્યું છે. વિભાગે મધ્યમથી ભારે વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે.
વરસાદની આગાહીના પગલે ખેડૂતો ચિંતામાં
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર પૂર્વ અને ઉત્તર-પૂર્વના રાજ્યોમાં આગામી પાંચ દિવસ સુધી વરસાદ ચાલુ રહેશે. સ્કાયમેટના અહેવાલ મુજબ, પશ્ચિમ-મધ્ય બંગાળની ખાડી અને તેની નજીકના દક્ષિણ-પશ્ચિમ ભાગોમાં નીચા દબાણનો વિસ્તાર રચાયો છે. તે ઉત્તર તરફ આગળ વધી રહ્યું છે. જેના કારણે ઉત્તર પૂર્વ ભારતમાં આગામી ૨ થી ૩ દિવસ સુધી ભારે વરસાદ પડી શકે છે.
ભારતીય હવામાન વિભાગના અહેવાલ મુજબ, કાશ્મીર ખીણમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સ્થિત છે. ઉત્તર પૂર્વ મધ્ય પ્રદેશમાં ચક્રવાતી પરિભ્રમણ રચાયું છે. આસામથી બંગાળની ખાડી સુધી ટ્રફ લાઈન બને છે. ઉત્તર પૂર્વ આસામ પર ચક્રવાતી પરિભ્રમણ રચાયું છે. હવામાન વિભાગનું અનુમાન છે કે ૧૬ એપ્રિલથી એક નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવા જઈ રહ્યું છે. તેની અસરને કારણે હવામાન ફરી એકવાર બદલાઈ શકે છે.
ગુજરાતમાં પણ હવામાન વિભાગે કમોસમી વરસાદની આગાહી કરી છે. ઉનાળાની કાળઝાળ ગરમી વચ્ચે રાજ્યના હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈ આગાહી કરવામાં આવી છે. રાજ્યના અનેક જિલ્લાઓમાં કમોસમી વરસાદની આગાહી કરાઈ છે. વરસાદની આગાહીના પગલે ખેડૂતો ચિંતામાં છે.