Last Updated on by Sampurna Samachar
બે વિદ્યાર્થીઓએ ગોલ્ડ અને બે વિદ્યાર્થીઓએ સિલ્વર મેડલ જીત્યા
૧૨ રાજ્યોના ખેલાડીઓએ ભારતનું પ્રતિનિધિત્વ કર્યું
(સંપૂર્ણ સમાચાર સેવા)
તેલંગાણામાં યોજવામાં આવેલ ઇન્ટરનેશનલ રીંગ ફાઇટ ચેમ્પિયનશિપમાં મહેસાણાની વિદ્યાર્થીઓએ ઝળકી છે. આ કોમ્પિટિશનમાં બે વિદ્યાર્થિનીએ ગોલ્ડ મેડલ અને બાકીની બે વિદ્યાર્થિનીએ સિલ્વર મેડલ જીતી વિજેતા બની છે.
રીંગ ફાઇટ ફેડરેશન ઑફ ઇન્ડિયા અને રીંગ ફાઇટ ફેડરેશન ઑફ તેલંગાણા દ્વારા આયોજિત ઇન્ટરનેશનલ રીંગ ફાઇટ ચેમ્પિયનશિપ ૨૩ થી ૨૫ મે ૨૦૨૫ દરમિયાન હૈદરાબાદના ગવર્મેન્ટ કૉલેજ ઓફ ફિઝિકલ એજ્યુકેશન ખાતે યોજાઈ હતી. જેમાં મહેસાણાની ચાર વિદ્યાર્થિનીઓ વિજેતા બનીને મહેસાણાનું અને ગુજરાતનું નામ રોશન કર્યું છે.
ગોલ્ડ મેડલ મેળવી વિજેતા બની
ઇન્ટરનેશનલ રીંગ ફાઇટ ચેમ્પિયનશિપમાં ભારત સહિત બાંગ્લાદેશ, નેપાળ, ભૂટાન અને શ્રીલંકા જેવા દેશોએ ભાગ લીધો હતો. ભારતમાંથી જુદા જુદા ૧૨ રાજ્યોના ખેલાડીઓએ પણ ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું. કુલ ૩૮૦ જેટલા ખેલાડીઓએ આ સ્પર્ધામાં ભાગ લીધો હતો. મહેસાણાના ૪ ખેલાડીઓએ આ સ્પર્ધામાં મહેસાણા જિલ્લાનું, ગુજરાત રાજ્યનું અને ભારત દેશનું પ્રતિનિધિત્વ કરીને વિજય હાંસલ કર્યો હતો.
મહેસાણા શહેરની પટેલ પરી સુરેશભાઈ, જેમણે ધોરણ ૧૨ની બોર્ડ પરીક્ષા પાસ કરી છે, તેમણે UNDER -૧૯ વયજૂથના ૮૦ કિગ્રા વજનગ્રુપમાં ગોલ્ડ મેડલ મેળવી વિજેતા બની હતી. તેમજ પટેલ આભાબેન ઘનશ્યામભાઈ, જેમણે હાલ ધોરણ ૯ ની પરીક્ષા પાસ કરી છે, તેમણે UNDER -૧૪ વયજૂથના ૩૩ કિગ્રા વજનગ્રુપમાં ગોલ્ડ મેડલ મેળવી વિજેતા બની હતી.
પટેલ જાનવી અલ્પેશભાઈ, જેમણે U -૧૪ વય જૂથના ૫૩ કિગ્રા વજન જૂથમાં સિલ્વર મેડલ જીતી વિજેતા બની હતી, અને હાલમાં ધોરણ ૮ ની પરીક્ષા પાસ કરેલી છે. પટેલ યાના વિનોદભાઈ, જેમણે આ સમયે ધોરણ ૯ ની પરીક્ષા પાસ કરી છે, તેમણે U -૧૭ વય જૂથના ૬૫ કિગ્રા વજન જૂથમાં સિલ્વર મેડલ સાથે વિજેતા બની હતી. વિજેતા પામેલા ખેલાડીઓને તેમના કોચ પાંચા ભાગ્યેશભાઈ, ગુજરાત રીંગ ફાઇટ રમતના જોઈન્ટ સેક્રેટરી તરુણભાઈ નિસાદ, અને ભારત વ્યાયામ મંદિરના મંત્રી જયંતભાઈ એચ. પટેલ દ્વારા શુભેચ્છાઓ અને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.