Last Updated on by Sampurna Samachar
૨૧ જુલાઈ સુધી વરસાદથી રાહત મળવાની કોઇ આશા નહીં
અત્યાર સુધીમાં ૧૦૬ લોકોના મોત થયા
(સંપૂર્ણ સમાચાર સેવા)
હિમાચલ પ્રદેશમાં શિમલા, બિલાસપુર અને સોલનમાં અનેક જગ્યાએ ભારે વરસાદ જોવા મળ્યો હતો. હવામાન વિભાગે ચંબા, કાંગડા, મંડી અને સિરમૌર જિલ્લામાં અમુક સ્થાન પર વાવાઝોડા સાથે ભારે વરસાદનું યલો ઍલર્ટ જાહેર કર્યું હતું. હવામાન વિભાગ અનુસાર, ૨૧ જુલાઈ સુધી વરસાદથી રાહત મળવાની આશા નથી.

રાજ્યમાં વિવિધ સ્થળોએ ભારે વરસાદનો ક્રમ ચાલુ રહેશે. વરસાદને કારણે રાજ્યમાં મહત્તમ તાપમાનમાં એકથી બે ડિગ્રી સેલ્સિયસમાં ઘટાડો નોંધાયો છે. રાજ્યમાં સૌથી વધુ તાપમાન ઉના અને ધૌલાકુઆંમાં ૩૨.૫ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું.
લગભગ ૧,૦૦૦ કરોડ રૂપિયાનું નુકસાન
રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળના જણાવ્યા અનુસાર, ચોમાસાની ઋતુ દરમિયાન ભારે વરસાદને કારણે જાન-માલને ભારે નુકસાન થયું હતું. આ સિવાય ૨૦ જૂનથી ૧૫ જુલાઈ સુધીમાં ૧૦૬ લોકોના મોત થયા છે. કુલ મોતમાંથી ૬૨ લોકો સીધા વરસાદ સંબંધિત મુશ્કેલીઓ જેમ કે, ભૂસ્ખલન, અચાનક પૂર, વાદળ ફાટવા, ડૂબવા, વીજળી પડવાના કારણે મોતને ભેટ્યા છે.
જોકે, આ સમયગાળા દરમિયાન ૪૪ લોકોના મોત માર્ગ દુર્ઘટનામાં થયા હતા. વાદળ ફાટવાની ઘટનામાં ૧૫, ઊંચાઈ (ઝાડ/ચટ્ટાન) પડવાના કારણે ૧૨, ડૂબવાથી ૧૧, અચાનક પૂરમાં ૮, વીજળીનો ઝટકો લાગવો અને સાપ કરડવાથી ૫-૫ અને ભૂસ્ખલ તેમજ આગ લાગવાના કારણે ૧-૧ મોત થયા છે. તમામ જિલ્લામાં માર્ગ દુર્ઘટનાઓમાં ૪૪ મોત થયા છે, જેમાં મંડી (૪), કુલ્લુ (૭) અને કિન્નોર (૫) સૌથી વધુ પ્રભાવિત થયા છે.
વળી, ૩૮૪ ઘરો સંપૂર્ણપણે નુકસાન પામ્યા છે અને ૬૬૬ ઘરો, ૨૪૪ દુકાનો અને ૮૫૦ પશુશાળાઓને નુકસાન થયું છે. વરસાદને કારણે રાજ્યમાં ૧૭૧ પીવાના પાણીની યોજનાઓ બંધ છે, જેમાંથી મંડી જિલ્લામાં ૧૪૨, કાંગડામાં ૧૮ અને સિરમૌરમાં ૧૧ યોજનાઓ પ્રભાવિત થઈ છે.
વરસાદ અને ભૂસ્ખલનને કારણે રાજ્યમાં ૧૯૯ રસ્તાઓ ટ્રાફિક માટે બંધ છે, તેમને ખોલવાના પ્રયાસો ચાલી રહ્યા છે. મંડી જિલ્લામાં ૧૪૧, કુલ્લુમાં ૩૫, કાંગડામાં ૧૦, સિરમૌરમાં ૮, ઉનામાં ૩ અને ચંબામાં ૨ રસ્તાઓ બંધ છે. હિમાચલ સરકાર તેમને ખોલવાનો પ્રયાસ કરી રહી છે. મુખ્યમંત્રી સુખવિંદર સિંહ નવી દિલ્હીમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને મળ્યા અને તેમને જાણ કરી કે રાજ્યને અચાનક પૂર અને વાદળ ફાટવાથી લગભગ ૧,૦૦૦ કરોડ રૂપિયાનું નુકસાન થયું છે.