Last Updated on by Sampurna Samachar
HIV /એઈડ્સ પ્રસારના મામલામાં દેશમાં છઠ્ઠા સ્થાન પર
સ્વાસ્થ્ય વિભાગને એક કેબિનેટ નોટ તૈયાર કરવાનો નિર્દેશ
(સંપૂર્ણ સમાચાર સેવા)
દેશનું પૂર્વોત્તર રાજ્ય મેઘાલયમાં હવે લગ્ન પહેલા HIV ટેસ્ટ ફરજીયાત કરવાની તૈયારી કરી રહ્યું છે. સ્વાસ્થ્ય મંત્રી એંપરીન લિંગદોહે આ વાત કહી છે. તેમણે કહ્યું કે સરકાર રાજ્યમાં HIV /એઇડ્સના વધતા કેસને જોતા લગ્ન પહેલા ટેસ્ટ ફરજીયાત કરવા માટે કાયદો લાવવાનો વિચાર કરી રહી છે. તેમણે જણાવ્યું કે મેઘાલય HIV /એઈડ્સ પ્રસારના મામલામાં દેશમાં છઠ્ઠા સ્થાન પર છે.

સ્વાસ્થ્ય મંત્રીએ જણાવ્યું કે તેમણે નાયબ મુખ્યમંત્રી પ્રેસ્ટોન ટિનસોંગની અધ્યક્ષતામાં એક બેઠકમાં ભાગ લીધો, જેમાં સમાજ કલ્યાણ મંત્રી પોલ લિંગદોહ અને ઈસ્ટ ખાસી હિલ્સ જિલ્લાના આઠ ધારાસભ્ય પણ સામેલ થયા હતા. આ બેઠકમાં HIV /એઈડ્સ પર એક નીતિ બનાવવાની ચર્ચા થઈ.
સંક્રમણનું મુખ્ય કારણ અસુરક્ષિત યૌન સંબંધ
તેમણે કહ્યું કે સ્વાસ્થ્ય વિભાગને આ સંબંધમાં એક કેબિનેટ નોટ તૈયાર કરવાનો નિર્દેશ આપ્યો છે. સાથે આ પ્રકારની બેઠકો ગારો હિલ્સ અને જૈંતિયા હિલ્સના ક્ષેત્રોમાં આયોજીત કરવામાં આવશે, જેથી ક્ષેત્રવાર રણનીતિ તૈયાર કરી શકાય. સ્વાસ્થ્ય મંત્રીએ ચિંતા વ્યક્ત કરતા જણાવ્યું કે માત્ર ઈસ્ટ ખાસી હિલ્સ જિલ્લામાં અત્યાર સુધી HIV /એઇડ્સના ૩૪૩૨ કેસ સામે આવ્યા છે, જેમાંથી માત્ર ૧૫૮૧ દર્દી સારવાર પ્રાપ્ત કરી રહ્યાં છે.
તેમણે જણાવ્યું કે રાજ્યમાં આ સંક્રમણનું મુખ્ય કારણ અસુરક્ષિત યૌન સંબંધ છે. મંત્રીએ કહ્યું- અમારે તે નક્કી કરવું પડશે કે ટેસ્ટ બાદ સંક્રમિત મળેલા વ્યક્તિની સારવાર કરવામાં આવે. HIV /એઇડ્સ ઘાતક નથી, જો તેની સમય પર અને સાચી રીતે સારવાર થાય. મહત્વનું છે કે ગોવાએ પણ આવા તમામ કેસ સામે આવ્યા બાદ HIV ટેસ્ટને લઈને નિયમ બનાવ્યો છે.