Last Updated on by Sampurna Samachar
સતત આઠ ટર્મથી ધારાસભ્ય રહ્યાં હતા
તેમના જીવનમાં એક પણ ચૂંટણી હાર્યા નથી
(સંપૂર્ણ સમાચાર સેવા)
વડોદરાના માંજલપુરના ધારાસભ્ય યોગેશ પટેલનું નિધન થયાના સમાચાર છે. શહેરમાં સ્ટર્લિંગ હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેમનું નિધન થયું હતું. થોડા સમયથી તેમની હૃદયરોગની સારવાર ચાલી રહી હતી. યોગેશ પટેલ વડોદરામાં ભાજપના સૌથી સિનિયર નેતા હતાં. તેઓ પક્ષમાં કદાવર નેતા તરીકે જાણીતા હતાં.

વડોદરામાં યોગેશ પટેલ સતત આઠ ટર્મથી ધારાસભ્ય રહ્યાં છે. તેઓ ભાજપના મંત્રી તરીકે પણ રહી ચૂક્યા છે. આ ઉપરાંત તેઓ સત્યમ સુંદરમ ચેરિટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટી પણ હતાં. તેમણે સુરસાગર તળાવની મધ્યમાં સર્વેશ્વર મહાદેવની સ્થાપના પણ કરી હતી. તેઓ તેમના જીવનમાં એક પણ ચૂંટણી હાર્યા નથી.
૧૯૯૦માં જનતા પાર્ટીમાં જોડાયા હતાં
યોગેશ પટેલ જનતાદળના નેતા હતાં. તેઓ જનતાદળમાંથી ભાજપમાં જાેડાયા હતાં. એક કાર્યકર તરીકેની ભૂમિકા બાદ તેઓ વડોદરામાં સૌથી મોટા કદાવર નેતા તરીકે ઉભર્યા હતાં. ગુજરાતમાં જ્યારે નવ નિર્માણ આંદોલન થયું ત્યારે તેઓ આ આંદોલનમાં પણ આંદોલનકારી તરીકે ભૂમિકા ભજવી ચૂક્યા હતાં.
તેઓ ૧૯૯૦માં જનતા પાર્ટીમાં જોડાયા હતાં. ત્યાર બાદ તેઓ પ્રથમ વખત ધારાસભ્ય બન્યા હતાં. જનતાદળમાંથી તેઓ ૧૯૯૫માં ભાજપમાં જોડાયા હતાં. તેઓ શહેરની રાવપુરા બેઠક પરથી પાંચ વખત ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતાં. જ્યારે માંજલપુર બેઠક પરથી ત્રણ વખત ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતાં. તેઓ આઠ વખત ધારાસભ્ય તરીકે જીત્યા હતાં.