Last Updated on by Sampurna Samachar
ભારતીય સેનાના જવાનો લેન્ડમાઈન ઝપેટમાં આવ્યા
ઘૂસણખોરી અટકાવવા માટે જમીનની અંદર લેન્ડમાઈન બિછાવ્યા
(સંપૂર્ણ સમાચાર સેવા)
જમ્મુ અને કાશ્મીરના પૂંછ જિલ્લામાં નિયંત્રણ રેખા પાસે લેન્ડમાઈન વિસ્ફોટ થયો હતો. જેમાં ભારતીય સેનાના જાટ રેજિમેન્ટના એક અગ્નિવીર શહીદ તેમજ એક JCO અને એક જવાન ઘાયલ થયા છે. ઘટનાની જાણ થતા સેનાની ટીમ તુરંત સ્થળ પર આવી ગઈ છે. ઘાયલોને તુરંત એરલિફ્ટ કરીને ઉધમપુરની લશ્કરી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

અધિકારીઓના જણાવ્યા મુજબ, સલોત્રીગામના વિક્ટર પોસ્ટ પાસે બપોરે લગભગ ૧૨.૦૦ કલાકે ધડાકો થયો હતો. વાસ્તવમાં ઘૂસણખોરી અટકાવવા માટે જમીનની અંદર લેન્ડમાઈન બિછાવવામાં આવી હતી. આ દરમિયાન પેટ્રોલિંગ કરી રહેલા ભારતીય સેનાના જવાનો લેન્ડ માઈન્ડની ઝટેપમાં આવતા ધડાકો થયો હતો.
એક અગ્નિવીર શહીદ તો બે ઘાયલ
ભારતીય સેનાના ૭ મી રેજિમેન્ટના જૂનિયર કમિશન્ડ ઓફિસર હરિ રામ, હવલદાર ગજેન્દ્ર સિંહ અને જવાન લલિત કુમાર પેટ્રોલિંગ કરી રહ્યા હતા. આ દરમિયાન જમીન નીચે દબાયેલ એમ-૧૬ માઈન અચાનક વિસ્ફોટ થયો હતો. વિસ્ફોટમાં અગ્નિવીર લલિત કુમાર શહીદ થયા છે, જ્યારે ગજેન્દ્ર સિંહ અને હરિ રામ ગંભીર ઈજાગ્રસ્ત થયા છે.
ઘટનાની જાણ થતા જ સેનાના અધિકારીઓ સ્થળ પર દોડી આવ્યા છે અને ઘટનાના કારણોની તપાસ શરૂ કરી દીધી છે. ભારતીય સેનાના જવાનો સરહદ પર ઘૂસણખોરી અટકાવવા માટે મહત્ત્વના વિસ્તારોમાં નિયમિત પેટ્રોલિંગ કરતા રહે છે. અહીં સુરક્ષા પ્રોટોકૉલ હેઠળ જમીનની અંદર લેન્ડમાઈન બિછાવવામાં આવતી હોય છે.