Last Updated on by Sampurna Samachar
બિહારના નાયબ મુખ્યમંત્રી સમ્રાટ ચૌધરીનુ નિવેદન
આ કોર્ટનો ર્નિણય છે, સરકારનો નહીં
(સંપૂર્ણ સમાચાર સેવા)
બિહાર વિધાનસભાની ચૂંટણી નજીક આવતા રાજ્યનો રાજકીય માહોલ ગરમાઈ રહ્યો છે. આ દરમિયાન બિહારના નાયબ મુખ્યમંત્રી સમ્રાટ ચૌધરીએ કહ્યું છે કે, ‘રાજ્ય સરકાર ચારા કૌભાંડ આચરનારાઓ પાસેથી ૯૫૦ કરોડ રૂપિયા વસૂલ કરાશે અને તેને સરકારી તિજોરીમાં જમા કરાવશે.‘ નોંધનીય છે કે, બિહારના પૂર્વ મુખ્યમંત્રી અને RJD વડા લાલુ યાદવને ઘાસચારા કૌભાંડમાં દોષિત ઠેરવવામાં આવ્યા છે.
બિહાર (BIHAR) ના નાયબ મુખ્યમંત્રી સમ્રાટ ચૌધરીએ કહ્યું, ‘આ કોર્ટનો ર્નિણય હતો અને તેના આધારે કાર્યવાહી કરવામાં આવશે. લાલુ યાદવ હોય કે અન્ય કોઈએ કૌભાંડ કર્યું હોય, તેમની મિલકત જપ્ત કરવામાં આવશે અને કાર્યવાહી કરવામાં આવશે. આ કોર્ટનો ર્નિણય છે, સરકારનો નહીં.
આ કૌભાંડ ભારતના સૌથી મોટા ભ્રષ્ટાચાર કૌભાંડોમાંનું એક
કોર્ટે સ્પષ્ટ કહ્યું હતું કે જો તેની સામે કાર્યવાહી કરવી પડશે તો સરકાર તેના પર કાર્યવાહી કરશે. ૨૮ વર્ષ થઈ ગયા, સુપ્રીમ કોર્ટે પણ સજા આપી છે. કોર્ટે મિલકત જપ્ત કરી છે. હવે તે જપ્ત કરવામાં આવશે અને પૈસા સરકારી તિજોરીમાં જમા કરવામાં આવશે.
ઘાસચારા કૌભાંડ સ્વતંત્ર ભારતના સૌથી મોટા ભ્રષ્ટાચાર કૌભાંડોમાંનું એક હતું. આ મામલો અવિભિજાતિ બિહાર (બિહાર + ઝારખંડ)માં પશુપાલન વિભાગ સાથે સંબંધિત હતો. આ કૌભાંડમાં પશુ ચારા અને પશુપાલન સંબંધિત ખોટા દાવાઓ દ્વારા સરકારી તિજોરીમાંથી મોટી રકમની ઉચાપત કરવામાં આવી હતી.
કૌભાંડની કુલ રકમ આશરે ૯૪૦-૯૫૦ કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે. આ કૌભાંડ ૧૯૯૦ના દાયકામાં થયું હતું. તે સમયે લાલુ પ્રસાદ યાદવ બિહારના મુખ્યમંત્રી હતા. તે સમયમાં આ ખૂબ મોટી રકમ હતી. વર્ષ ૧૯૯૬માં જ્યારે ચાઈબાસા (હવે ઝારખંડમાં)ના ડેપ્યુટી કમિશનર અમિત ખરેએ પશુપાલન વિભાગની ઓફિસો પર દરોડા પાડ્યા અને નકલી બિલ દ્વારા પૈસા ઉપાડવામાં અનિયમિતતાઓ શોધી કાઢી ત્યારે આ કૌભાંડ સામે આવ્યું હતું.
આ કેસમાં પટના હાઈકોર્ટે માર્ચ વર્ષ ૧૯૯૬માં CBI ને તપાસનો આદેશ આપ્યો હતો અને પહેલી એફઆઈઆર ૨૭ મી માર્ચ ૧૯૯૬ના રોજ નોંધાઈ હતી. જેમ જેમ તપાસ આગળ વધતી ગઈ, તેમ તેમ તેના પડ ધીમે ધીમે ખુલતા ગયા. સીબીઆઈએ ઘાસચારા કૌભાંડમાં કુલ ૬૬ કેસ નોંધ્યા હતા, જેમાં ૧૭૦ થી વધુ લોકોને આરોપી બનાવવામાં આવ્યા હતા. આમાંના ઘણાં અગ્રણી લોકોને સજા ફટકારવામાં આવી છે.
બિહારના તત્કાલીન મુખ્યમંત્રી અને રાષ્ટ્રીય જનતા દળ (RJD) ના વડા લાલુ યાદવને પાંચ કેસમાં દોષિત ઠેરવવામાં આવ્યા હતા. પશુપાલન કૌભાંડના કેસમાં લાલુ પ્રસાદ યાદવ અત્યાર સુધીમાં કુલ સાત વખત જેલમાં જઈ ચૂક્યા છે. ચાઈબાસા ટ્રેઝરીમાંથી ગેરકાયદે ઉપાડના કેસમાં તેમને પહેલી વાર ત્રીજી ઓક્ટોબર ૨૦૧૩ના રોજ સજા ફટકારવામાં આવી હતી. આ ઉપરાંત, પૂર્વ મુખ્યમંત્રીઓ જગન્નાથ મિશ્રા, જગદીશ શર્મા, આર.કે. રાણા જેવા નેતાઓ અને અધિકારીઓને પણ આ કેસમાં સજા ફટકારવામાં આવી છે.