Last Updated on by Sampurna Samachar
ગુનેગારોને કડકમાં કડક સજા મળવી જોઈએ
સલામતીના નિયમોના છુટછાટથી ઘટનાઓ બને છે
(સંપૂર્ણ સમાચાર સેવા )
ડીસામાં ફટાકડાની ફેક્ટરીમાં બોયલર ફાટવાથી ૨૧ મજૂરોના મૃત્યુ થઈ ગયા છે. ત્યારે આ દુર્ઘટના પર કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જૂન ખડગે અને સાંસદ રાહુલ ગાંધીએ દુ:ખ વ્યક્ત કર્યું છે. કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લખ્યું, “ગુજરાતના બનાસકાંઠામાં ફટાકડા ફેક્ટરીમાં થયેલી દુર્ઘટના અત્યંત પીડાદાયક છે. સમાચાર મુજબ, ૧૮ કામદારોએ જીવ ગુમાવ્યા છે અને ઘણા ઘાયલ થયા છે. હું પીડિતોના પરિવારો પ્રત્યે મારી ઊંડી સંવેદના વ્યક્ત કરું છું અને ઘાયલોના ઝડપથી સ્વસ્થ થવાની કામના કરું છું.
સલામતીના નિયમોમાં છૂટછાટ આપવામાં આવે ત્યારે આવા અકસ્માતો ઘણીવાર થાય છે. આ ભૂલ માટે જવાબદાર લોકોને કાયદા હેઠળ કડક સજા થવી જોઈએ. સરકારને પીડિતોને તાત્કાલિક અને યોગ્ય વળતર આપવા અને તેમને શક્ય તેટલી મદદ કરવા વિનંતી છે.”
નિર્દોષ લોકો જીવ ગુમાવે છે
રાહુલ ગાંધીએ ટ્વિટર પર લખ્યું, “ગુજરાતના બનાસકાંઠામાં ફટાકડા ફેક્ટરીમાં વિસ્ફોટમાં અનેક કામદારોના મોત અને ઘણા ઘાયલ થવાના સમાચાર અત્યંત દુ:ખદ છે. હું શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે મારી ઊંડી સંવેદના વ્યક્ત કરું છું. આ અકસ્માતની તાત્કાલિક તપાસ થવી જોઈએ અને ગુનેગારોને કડકમાં કડક સજા મળવી જોઈએ.”
તેમણે આગળ લખ્યું, “આવા કારખાનાઓમાં ઘણીવાર આગ અને વિસ્ફોટની ઘટનાઓ બને છે, અને ગરીબ કામદારો જે પોતાનું ગુજરાન ચલાવવા માટે બહાર જાય છે તેઓ જીવ ગુમાવે છે. આવી દુ:ખદ ઘટનાઓને રોકવા માટે, સલામતીના નિયમોનું કડક પાલન કરવું જોઈએ અને જવાબદારોની સ્પષ્ટ જવાબદારી નક્કી કરવી જોઈએ.”
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ અકસ્માત પર દુ:ખ વ્યક્ત કર્યું હતું અને મૃતકોના પરિવારજનોને ૪ લાખ રૂપિયા અને ઘાયલોને ૫૦,૦૦૦ રૂપિયાના વળતરની જાહેરાત કરી હતી. આ દુ:ખદ અકસ્માત પર દુ:ખ વ્યક્ત કરતા સીએમ ભૂપેન્દ્ર પટેલે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઠ પર લખ્યું, “ડીસામાં ફટાકડાની ફેક્ટરીમાં આગ લાગવાથી કામદારોના મોતની ઘટના હૃદયદ્રાવક છે. આ દુ:ખની ઘડીમાં મારી હૃદયપૂર્વકની સંવેદનાઓ મૃતકોના પરિવારો સાથે છે. આ દુર્ઘટનામાં રાહત, બચાવ અને સારવાર કામગીરી અંગે હું વહીવટીતંત્ર સાથે સતત સંપર્કમાં છું. વહીવટીતંત્રને સૂચના આપવામાં આવી છે કે ઘાયલોને તાત્કાલિક અને યોગ્ય સારવાર મળે. રાજ્ય સરકાર મૃતકોના પરિવારોને ૪ લાખ રૂપિયા અને ઘાયલોને ૫૦,૦૦૦ રૂપિયાની રાહત રકમ આપશે. હું પ્રાર્થના કરું છું કે ભગવાન મૃતકોના આત્માને શાંતિ આપે અને ઘાયલોને ઝડપથી સ્વસ્થતા આપે.”