Last Updated on by Sampurna Samachar
કંપનીએ તાજેતરની વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં લઇ લીધો નિર્ણય
આવક વૃદ્ધિ માત્ર ૦ થી ૩ ટકાની વચ્ચે રહેવાનો અંદાજ લગાવ્યો
(સંપૂર્ણ સમાચાર સેવા)
દેશની જાણીતી IT કંપની INFOSYS એ ૨૪૦ એન્ટ્રી લેવલના કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મૂક્યા હોવાની માહિતી પ્રાપ્ત થઇ છે. આ ટ્રેઇની કર્મચારીઓ ઈન્ટરનલ ટેસ્ટમાં પાસ થઇ શક્યા નહોતા. કંપનીએ ૧૮ એપ્રિલે આ માહિતી આપી હતી. ફેબ્રુઆરીની શરૂઆતમાં કંપનીએ ૩૦૦ થી વધુ ટ્રેઇની કર્મચારીઓને છૂટા કર્યા હતા. જોકે, ઇન્ફોસિસે આ યુવાનોને NIIT અને UPGRAD માં મફતમાં કૌશલ્ય શીખવાની તક આપી છે જેથી તેઓ ભવિષ્ય માટે કંઈક સારું કરી શકે.
કંપનીએ વર્તમાન બજારની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને આ પગલું ભર્યું કારણ કે ઓછા ઓર્ડરને કારણે કંપનીએ ચાલુ નાણાકીય વર્ષ માટે આવક વૃદ્ધિ માત્ર ૦ થી ૩ ટકાની વચ્ચે રહેવાનો અંદાજ લગાવ્યો છે. આ ક્ષેત્રમાં મંદીનો સંકેત આપે છે. વાસ્તવમાં અમેરિકા અને યુરોપ જેવા મોટા બજારોમાં ગ્રાહકો ખર્ચ ઘટાડી રહ્યા છે. આના કારણે IT સેવા પૂરી પાડતી કંપની ઇન્ફોસિસને ઓછા કોન્ટ્રાક્ટ મળી રહ્યા છે.
૧૮ એપ્રિલના રોજ કર્મચારીઓને મોકલવામાં આવેલા એક ઇમેઇલમાં કંપનીએ લખ્યું, “તમારા અંતિમ મૂલ્યાંકન પ્રયાસના પરિણામો જાહેર કરવા ઉપરાંત, તમને જાણ કરવામાં આવે છે કે તમે વધારાના તૈયારી સમય, ડાઉટ ક્લિયરિંગ સેશન્સ, અનેક મોક અસેસમેન્ટ અને ત્રણ પ્રયાસો છતાં જેનેરિક ફાઉન્ડેશન ટ્રેનિંગ પ્રોગ્રામ માટે પાત્રતા માપદંડોને પૂર્ણ કર્યા નથી.” પરિણામે તમે ટ્રેઇની કાર્યક્રમમાં તમારી સફર ચાલુ રાખી શકશો નહીં.
ટ્રેઇની કર્મચારીઓને પગાર , મુસાફરી ભાડુ આપશે
ઈમેલમાં આગળ લખ્યું હતું કે, ” ઈન્ફોસિસની બહાર તકો શોધવાની તમારી સફરમાં મદદ કરવા માટે અમે તમારા માટે પ્રોફેશનલ આઉટપ્લેસમેન્ટ સેવાઓની વ્યવસ્થા કરી રહ્યા છીએ. અમે તમને BPM ઉદ્યોગમાં સંભવિત ભૂમિકાઓ માટે તૈયાર કરવા માટે ઇન્ફોસિસ સ્પોન્સર્ડ ટ્રેનિંગ પ્રોગ્રામ લઈને બીજો કારકિર્દી વિકલ્પ પણ પ્રદાન કરવા માંગીએ છીએ.
તાલીમ પૂર્ણ થયા પછી તમે ઈન્ફોસિસ BPM લિમિટેડમાં ઉપલબ્ધ તકો માટે પણ અરજી કરી શકો છો. જો તમે તમારા IT કૌશલ્યને વધારવા માંગતા હોવ તો ઇન્ફોસિસ સ્પોન્સર્ડ આઇટી ફંન્ડામેન્ટલ્સ ટ્રેનિંગ પ્રોગ્રામ પણ તમારા માટે ઉપલબ્ધ કરાવવામાં આવી રહ્યો છે જેથી તમારી IT કારકિર્દીની સફરને વધુ ટેકો મળી શકે. આ ઉપરાંત ટ્રેઇની કર્મચારીઓને એક મહિનાનો પગાર, રહેવાની વ્યવસ્થા, મૈસુર ટ્રેનિંગ સેન્ટરથી બેંગલુરુ અથવા તેમના વતન સુધીનું મુસાફરી ભાડું મળશે.