Last Updated on by Sampurna Samachar
આ પાછળનુ કારણ ઈંધણ અને વીજ કિંમતોમાં વૃદ્ધિ જોવા મળી
મેટલ થી માંડી કેમિકલ્સના ભાવમાં વધારો
(સંપૂર્ણ સમાચાર સેવા)
દેશમાં ફરી એકવાર મોંઘવારી ઉંચા આસમાને પહોંચી ગઇ છે. વાત કરીએ તો ફેબ્રુઆરીમાં જથ્થાબંધ મોંઘવારી ૨.૩૮ ટકા વધી બે માસની ટોચે પહોંચી છે. જે જાન્યુઆરીમાં ૨.૩૧ ટકા નોંધાઈ હતી. મેન્યુફેક્ચરિંગ પ્રોડક્ટ્સના ભાવમાં વૃદ્ધિ નોંધાતા જથ્થાબંધ મોંઘવારી વધી છે.
સરકારી આંકડાઓ અનુસાર, એકબાજુ રિટેલ મોંઘવારી ફેબ્રુઆરીમાં ઘટી હતી. જ્યારે આજે જાહેર કરવામાં આવેલા ડેટામાં જથ્થાબંધ મોંઘવારી બે માસની ટોચે નોંધાઈ છે. આ બંને આંકડામાં આ વિરોધાભાસ પાછળનું કારણ ખાદ્ય ચીજોના ભાવ છે. રિટેલ (Retail) મોંઘવારીમાં ખાદ્ય ચીજોના ભાવનું વેઈટેજ ૫૦ ટકા છે, જ્યારે જથ્થાબંધ મોંઘવારીના ઈન્ડેક્સમાં મેન્યુફેક્ચરિંગ પ્રોડક્ટ્સનો હિસ્સો ૨/૩ છે.
કોર ઈન્ફ્લેશન સાત માસમાં અત્યંત ઝડપે વધ્યું
રિટેલ મોંઘવારી ફેબ્રુઆરીમાં ૩.૬ ટકા સાથે સાત માસના તળિયે પહોંચી હતી. ખાદ્ય ચીજોના રિટેલ ભાવ ૨૧ માસના તળિયે નોંધાયા હતાં. કોર ઈન્ફ્લેશન સાત માસમાં અત્યંત ઝડપે વધ્યું છે. વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા આંકડાઓ અનુસાર, ફેબ્રુઆરીમાં જથ્થાબંધ મોંઘવારી વધવા પાછળનું બીજુ કારણ ઈંધણ અને વીજ કિંમતોમાં વૃદ્ધિ છે. એનર્જી અને ફ્યુલ ઈન્ફ્લેશન ઈન્ડેક્સ ફેબ્રુઆરીમાં ૨.૧૨ ટકા વધી ૧૫૩.૮ નોંધાયો છે. જે જાન્યુઆરીમાં ૧૫૦.૬ ટકા હતો. વીજ ખર્ચમાં ૪.૨૮ ટકાનો વધારો જોવા મળ્યો છે.
મેન્યુફેક્ચરિંગ પ્રોડક્ટ્સના જથ્થાબંધ ભાવ ૦.૪૨ ટકા વધ્યા છે. જેમાં મેટલથી માંડી કેમિકલ પ્રોડક્ટ્સ સમાવિષ્ટ છે. ખાદ્ય ચીજોમાં જથ્થાબંધ મોંઘવારી જાન્યુઆરીમાં ૭.૪૭ ટકા સામે ઘટી ફેબ્રુઆરીમાં ૫.૯૪ ટકા થઈ છે. જે ડિસેમ્બરમાં ૮.૮૯ ટકા હતી.