Last Updated on by Sampurna Samachar
હરિયાણા સરકારે આપી હતી ચોઈસ
રમતગમત વિભાગને એક પત્ર મોકલવામાં આવ્યો
(સંપૂર્ણ સમાચાર સેવા)
પેરિસ ઓલિમ્પિક ૨૦૨૪ દરમિયાન ચર્ચામાં આવેલી ભારતીય કુસ્તીબાજ વિનેશ ફોગાટ વિશે એક મોટો ખુલાસો થયો છે. ઓલિમ્પિકમાંથી ડિસક્વોલિફિકેશનના વિવાદ પછી, વિનેશે કુસ્તીમાંથી નિવૃત્તિ લેવાનો ર્નિણય લઈને બધાને ચોંકાવી દીધા. ત્યારબાદ, તેમણે રાજકારણમાં પ્રવેશ કર્યો અને ૨૦૨૪ ની હરિયાણા વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસ તરફથી લડીને જુલાના બેઠક જીતી. તાજેતરમાં, હરિયાણા સરકારે તેમની સમક્ષ ત્રણ વિકલ્પો મૂક્યા હતા, હવે એક અપડેટ આવી છે કે વિનેશે એક વિકલ્પ પસંદ કર્યો છે.
વિનેશ ફોગાટે ૪ કરોડ રૂપિયાના રોકડ પુરસ્કારનો વિકલ્પ પસંદ કર્યો છે. આ સંદર્ભમાં, હરિયાણા સરકારના રમતગમત વિભાગને એક પત્ર મોકલવામાં આવ્યો છે, જેના પછી આગળની કાર્યવાહી કરવામાં આવશે.
હજુ તેનુ સન્માન કરાયુ નથી
એક અહેવાલ મુજબ, જુલાના બેઠકના ધારાસભ્ય વિનેશ ફોગાટે ગયા મહિને બજેટ સત્રમાં આ મુદ્દો ઉઠાવ્યો હતો. વિનેશે કહ્યું કે સરકારે તેના માટે ઓલિમ્પિકમાં સિલ્વર મેડલ સમકક્ષ એવોર્ડની જાહેરાત કરી હતી, પરંતુ ૮ મહિના પછી પણ તેનું સન્માન કરવામાં આવ્યું નથી.
વિનેશ ફોગાટની માંગ પર, હરિયાણાના સીએમ નાયબ સિંહ સૈનીએ જવાબ આપ્યો હતો કે વિનેશ હવે કોંગ્રેસની ધારાસભ્ય છે, તેમ છતાં તેમને સરકારી નોકરી, પ્લોટ અથવા ૪ કરોડ રૂપિયાના રોકડ ઇનામનો વિકલ્પ આપવામાં આવશે. અહેવાલના મતે, આના જવાબમાં, વિનેશ ૪ કરોડ રૂપિયાના રોકડ ઇનામ માટે સંમત થઈ ગઈ છે.
વિનેશ ફોગાટે પોતાના વૈકલ્પિક ર્નિણય અંગે રમતગમત વિભાગને પત્ર મોકલ્યો છે. વિનેશ હવે ધારાસભ્ય હોવાથી, તેમણે સરકારી નોકરી પસંદ કરી ન હતી. તમને યાદ અપાવીએ કે વિનેશ ફોગાટને નિર્ધારિત વજન મર્યાદા કરતાં ૧૦૦ ગ્રામ વધુ વજન હોવાને કારણે ઓલિમ્પિકમાંથી ગેરલાયક ઠેરવવામાં આવી હતી.