Last Updated on by Sampurna Samachar
સમુદ્રમાં દુશ્મનની કોઈપણ ચાલને નિષ્ફળ બનાવવામાં સક્ષમ
નિસ્તાર વજન ૯૩૫૦ ટન છે અને તે ૧૨૦ મીટર લાંબુ
(સંપૂર્ણ સમાચાર સેવા)
ઈન્ડિયન નેવી પોતાની શક્તિને વધુ મજબૂત બનાવવા જઈ રહી છે. ૮ જુલાઈ, ૨૦૨૫ના રોજ વિશાખાપટ્ટનમમાં હિન્દુસ્તાન શિપયાર્ડ લિમિટેડે ઈન્ડિયન નેવીને પ્રથમ સ્વદેશી ડાઇવિંગ સપોર્ટ જહાજ નિસ્તાર સોંપ્યું છે. આ જહાજ ભારતમાં જ ડિઝાઇન કરવામાં આવ્યું છે અને બનાવવામાં આવ્યું છે. તે માત્ર એક સહાયક જહાજ નથી, પરંતુ એક સાયલન્ટ કિલર છે જે સમુદ્રમાં દુશ્મનની કોઈપણ ચાલને નિષ્ફળ બનાવે છે.

નિસ્તારએ ઊંડા સમુદ્રમાં ડાઇવિંગ અને બચાવ કામગીરી માટે રચાયેલુ યુદ્ધ જહાજ છે. તેનું નામ સંસ્કૃત શબ્દ નિસ્તાર પરથી આવ્યું છે, જેનો અર્થ મુક્તિ, બચાવ અથવા મુક્તિ થાય છે. તે એક ખાસ ટેકનોલોજી ધરાવતું જહાજ છે જે વિશ્વ થોડા દેશ પાસે જ છે.
INS નિપુણ પશ્ચિમ કિનારા પર તૈનાત કરાશે
INS નિસ્તાર ઈન્ડિયન નેવીનું પહેલું ડેડીકેટેડ ડાઇવિંગ સપોર્ટ જહાજ હશે, જેનો ઉપયોગ કટોકટીમાં કોઈપણ સબમરીનને બચાવવા માટે કરવામાં આવશે. આ જહાજ લગભગ ૮૦% સ્વદેશી ટેકનોલોજી અને સામગ્રીથી બનેલું છે. તેનું વજન ૯૩૫૦ ટન છે અને તે ૧૨૦ મીટર લાંબુ છે.
INS નિસ્તારમાં ૨૦૦થી વધુ નેવીના કર્મચારીઓ તૈનાત કરી શકાય છે અને તે બંદર પર પાછા ફર્યા વિના ૬૦ દિવસ સુધી સમુદ્રમાં કાર્ય કરી શકે છે. તે ડીપ સબમર્જન્સ રેસ્ક્યુ વ્હીકલ (DSRV) થી સજ્જ છે, જે સમુદ્રમાં ૬૫૦ મીટર ઊંડાઈ સુધી જઈ શકે છે અને કોઈપણ ફસાયેલી સબમરીનના સૈનિકોને બચાવી શકે છે. તેમાં હેલિકોપ્ટરની સુવિધા પણ છે, જેથી કટોકટીમાં રાહત અને બચાવ કાર્ય ઝડપથી થઈ શકે.
અત્યાર સુધી ઈન્ડિયન નેવીને સબમરીન અકસ્માતો અથવા બચાવ મિશનમાં ONGC અથવા ખાનગી કંપનીઓ પર આધાર રાખવો પડતો હતો. પરંતુ INS નિસ્તાર અને INS નિપુણના આગમનથી ભારત સંપૂર્ણપણે આર્ત્મનિભર બનશે. INS નિસ્તાર પૂર્વ કિનારા પર તૈનાત કરવામાં આવશે, જ્યારે INS નિપુણ પશ્ચિમ કિનારા પર તૈનાત કરવામાં આવશે. આનાથી કોઈપણ ખૂણામાં સબમરીન અકસ્માતની સ્થિતિમાં તાત્કાલિક મદદ મળી શકશે.
INS નિસ્તારનું મુખ્ય કામ ઊંડા સમુદ્રમાં ડાઇવિંગ અને બચાવ કરવાનું છે. જો કોઈ સબમરીન દરિયામાં ફસાઈ જાય અથવા તેમાં કોઈ સમસ્યા હોય, તો આ જહાજ તાત્કાલિક બચાવ કામગીરી શરૂ કરી શકે છે. તેના ROV સમુદ્રમાં ઊંડા જાય છે અને પરિસ્થિતિનું મૂલ્યાંકન કરે છે. તેઓ મહત્ત્વપૂર્ણ માલસામાન અથવા લોકોને બચાવવામાં મદદ કરે છે. આ ઉપરાંત આ જહાજનો ઉપયોગ દરિયામાં ડૂબી ગયેલી વસ્તુઓને બહાર કાઢવા માટે પણ થઈ શકે છે.