Last Updated on by Sampurna Samachar
બેઝિક સેલરીમાં ઓછા રૂપિયા વધે તેવી શક્યતા
નવા રિપોર્ટથી કર્મચારીઓના સપના તૂટી શકે
(સંપૂર્ણ સમાચાર સેવા)
કેન્દ્ર સરકારના લાખો કર્મચારીઓ અને પેન્શનર્સ માટે એક મોટા સમાચાર સામે આવ્યા છે. અત્યાર સુધી કર્મચારીઓ ૧૮, ૦૦૦ રૂપિયા ન્યૂનતમ બેઝિક સેલરી વધીને ૫૧,૦૦૦ રૂપિયા થશે તેવી આશા રાખી બેઠા હતા પરંતુ એક નવા રિપોર્ટ મુજબ બેઝિક સેલરીમાં ઓછા રૂપિયા વધે તેવી શક્યતા છે.

આઠમાં પગાર પંચ લાગૂ થવાથી કર્મચારીઓના પગારમાં સરેરાશ ૧૩ ટકાનો વધારો થઈ શકે છે. અત્યાર સુધી એવી આશા હતી કે કર્મચારીઓનો પગાર ૩ ગણો થઈ શકે છે. પરંતુ નવા રિપોર્ટથી કર્મચારીઓના સપના તૂટી શકે છે.
કર્મચારીઓને ઝટકો મળી શકે
કોટક ઈન્સ્ટીટ્યૂશનલ ઈક્વિટિઝના રિપોર્ટ મુજબ આઠમાં પગાર પંચમાં ફિટમેન્ટ ફેક્ટર ૧.૮ રાખવામાં આવી શકે છે. જેનો અર્થ એ થાય કે વર્તમાન પગારને ૧.૮ સાથે ગુણવામાં આવે તો નવો પગાર નક્કી થશે. આ હિસાબે લઘુત્તમ વેતન ૧૮,૦૦૦ રૂપિયાથી વધીને ૩૦,૦૦૦ રૂપિયા માસિક થઈ શકે. જ્યારે અત્યાર સુધી એવા સમાચાર સામે આવતા હતા કે વધીને ૫૧,૦૦૦ રૂપિયા થઈ શકે છે. પગાર અંગે આ નવી સંભાવનાઓથી કર્મચારીઓને ઝટકો મળી શકે છે.
ફિટમેન્ટ ફેક્ટર એક મલ્ટીપ્લાયર હોય છે જેની મદદથી જૂના પગારને નવા વેતનમાં ફેરવવામાં આવે છે. જેમ કે સાતમાં પગાર પંચમાં આ ફેક્ટર ૨.૫૭ હતું જેનાથી કર્મચારીઓના પગારમાં ઘણો વધારો થયો હતો. રિપોર્ટ મુજબ સરકારે જાન્યુઆરી ૨૦૨૫માં આઠમાં પગાર પંચની જાહેરાત તો કરી દીધી પરંતુ હજુ સુધી તેના Terms of Reference (ToR) નક્કી થયા નથી કે ન તો પંચના સભ્યોની નિયુક્તિ થઈ છે.
કોટકનું અનુમાન છે કે આયોગના રિપોર્ટને આવવામાં દોઢ વર્ષ તો લાગી શકે છે અને ત્યારબાદ સરકારને તેને મંજૂરી આપવામાં તથા લાગૂ કરવામાં ૩થી ૯ મહિનાનો સમયગાળો લાગી શકે છે. કોટકના જણાવ્યાં મુજબ પગાર પંચને લાગૂ કરવામાં સરકાર પર ૨.૪ થી ૩.૨ લાખ કરોડ રૂપિયાનો વધારાનો ખર્ચ આવશે જે GDP ના લગભગ ૦.૬-૦.૮% હશે.
સૌથી વધુ ફાયદો એવા કર્મચારીઓને થઈ શકે છે. જે કેન્દ્ર સરકારની વર્કફોર્સના ૯૦% ભાગ છે. ગત પગાર પંચની જેમ જ આ વખતે પણ કાર, જેવા ક્ષેત્રે પણ ખર્ચ વધવાની શક્યતા છે. કોટકનું કહેવું છે કે તેનાથી લોકોની બચત પણ વધશે. અનુમાન છે કે પગાર વધવાથી ૧ થી ૧.૫ લાખ કરોડ રૂપિયાની વધારાની બચત થઈ શકે છે. જે શેરબજાર, બેંક ડિપોઝિટ અને ફિઝિકલ એસેટ્સમાં રોકાણ થઈ શકે છે.
૨૧ જુલાઈ ૨૦૨૫ના રોજ સંસદમાં એક લેખિત જવાબમાં નાણા રાજ્યમંત્રી પંકજ ચૌધરીએ કહ્યું કે, આઠમાં પગાર પંચ અંગે કામ શરૂ થઈ ગયું છે. મંત્રાલયે રક્ષા મંત્રાલય, ગૃહ મંત્રાલય, કાર્મિક વિભાગ અને રાજ્યો પાસેથી સૂચનો માંગ્યા છે. જ્યારે પંચ પોતાની ભલામણો આપશે અને સરકાર તેને મંજૂરી આપશે ત્યારબાદ નવું પગાર પંચ લાગૂ કરાશે.
અત્રે જણાવવાનું કે દર ૧૦ વર્ષે નવું પગાર પંચ બને છે. જેવાથી સરકારી કર્મચારીઓના પગાર અને પેન્શનમાં મોંઘવારી અને અન્ય ખર્ચાઓને ધ્યાનમાં રાખતા ફેરફાર કરાય છે. આ અગાઉ સાતમું પગાર પંચ ૨૦૧૬માં લાગૂ કરાયું હતું.