Last Updated on by Sampurna Samachar
કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી પોતાના નિવેદનને લઇ ફરી ચર્ચામાં
“ચૂંટણી હારી જાય કે મંત્રીપદ ગુમાવી દે, તેઓ આ સિદ્ધાંત પર હંમેશા અડગ”
(સંપૂર્ણ સમાચાર સેવા)
કેન્દ્રીય માર્ગ અને પરિવહન મંત્રી નીતિન ગડકરી ફરી એકવાર પોતાના નિવેદનોને લઈને ચર્ચામાં આવ્યા છે. નાગપુરમાં એક લઘુમતી સંસ્થાના દીક્ષાંત સમારોહમાં હાજરી આપતી વખતે નીતિન ગડકરીએ જાતિ અને ધર્મ વિશે વાત કરનારાઓ સામે કડક વલણ દાખવ્યું હતું.
નીતિન ગડકરીએ પોતાના સંબોધનમાં કહ્યું હતું કે, “જે કરશે જાતિની વાત તેને મારીશ જોરથી લાત.” આ કાર્યક્રમમાં ગડકરીએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે તેઓ જાહેરમાં ધર્મ અને જાતિ વિશે કોઈ વાત કરતા નથી. તેમના માટે સૌથી ઉપર સમાજ સેવા છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે ભલે તેઓ ચૂંટણી હારી જાય કે મંત્રીપદ ગુમાવી દે, તેઓ આ સિદ્ધાંત પર હંમેશા અડગ રહેશે. તેમણે એમ પણ કહ્યું કે જો તેમને મંત્રીપદ નહીં મળે તો તેનાથી તેમનું જીવન અટકી નહીં જાય.
ગડકરી પોતાના નિવેદન પર મક્કમ રહ્યા
ગડકરીએ વધુમાં જણાવ્યું કે તેમના કેટલાક મિત્રોએ તેમને જાહેર જીવનમાં આવા નિવેદનો ન કરવા સલાહ આપી હતી, પરંતુ તેમણે જીવનમાં આ સિદ્ધાંતનું પાલન કરવાનો નિશ્ચય કર્યો છે. પોતાના સંબોધનમાં નીતિન ગડકરીએ શિક્ષણના મહત્વ પર પણ પ્રકાશ પાડ્યો હતો. તેમણે કહ્યું કે શિક્ષણમાં જીવન બદલવાની અપાર તાકાત રહેલી છે અને તે વ્યક્તિ તેમજ સમુદાયોને સકારાત્મક દિશામાં પરિવર્તિત કરી શકે છે.
નીતિન ગડકરીનું આ નિવેદન હાલમાં રાજકીય વર્તુળોમાં ચર્ચાનો વિષય બન્યું છે, જેમાં તેમના સમર્થકો તેમના સ્પષ્ટ અને નિખાલસ અભિગમની પ્રશંસા કરી રહ્યા છે, જ્યારે વિરોધીઓ તેમના કડક શબ્દો સામે પ્રશ્નો ઉઠાવી રહ્યા છે. જોકે, ગડકરી પોતાના નિવેદન પર મક્કમ રહ્યા હોવાનું જણાય છે અને તેમણે સમાજ સેવાને સર્વોચ્ચ પ્રાથમિકતા આપવાની વાત ફરી દોહરાવી છે.
કેન્દ્રીય માર્ગ અને પરિવહન મંત્રી નીતિન ગડકરીએ મુસ્લિમ સમાજમાં શિક્ષણના મહત્વ પર ભાર મૂક્યો છે. નાગપુરમાં એક દીક્ષાંત સમારોહને સંબોધિત કરતી વખતે તેમણે કહ્યું કે મુસ્લિમ સમાજે માત્ર પરંપરાગત શિક્ષણ પર જ નહીં પરંતુ વિજ્ઞાન અને ટેક્નોલોજીને પણ આત્મસાત કરવું જોઈએ.
પોતાના સંબોધનમાં ગડકરીએ જણાવ્યું કે જ્યારે તેઓ મહારાષ્ટ્રમાં ધારાસભ્ય હતા. ત્યારે તેમને એક એન્જિનિયરિંગ કોલેજ મળી હતી, જે તેમણે નાગપુરની અંજુમન ઇસ્લામને આપી દીધી હતી. જ્યારે તેમને આ અંગે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું કે મુસ્લિમ સમાજમાં શિક્ષણની સૌથી વધુ જરૂરિયાત છે.
નીતિન ગડકરીએ દુ:ખ વ્યક્ત કરતા કહ્યું કે દુર્ભાગ્યે મુસ્લિમ સમાજમાં ચાની દુકાન, પાનની દુકાન, ભંગારની દુકાન, ટ્રક ડ્રાઈવર અને ક્લીનર જેવા પાંચ વ્યવસાયો જ વધુ લોકપ્રિય છે. તેમણે કહ્યું કે જો આ સમાજમાંથી એન્જિનિયર, ડોક્ટર, IAS અને IPS જેવા વ્યાવસાયિકો બનશે તો સમાજનો વિકાસ થશે.
તેમણે ભારપૂર્વક કહ્યું કે આપણે મસ્જિદમાં એક વાર નહીં પરંતુ સો વખત નમાઝ અદા કરવી જોઈએ, પરંતુ જો આપણે વિજ્ઞાન અને ટેકનોલોજીને નહીં અપનાવીએ તો આપણું ભવિષ્ય શું હશે ? ગડકરીએ પોતાના સંબોધનમાં પૂર્વ રાષ્ટ્રપતિ અને વૈજ્ઞાનિક ડો. અબ્દુલ કલામનું ઉદાહરણ આપ્યું હતું. તેમણે કહ્યું કે ડો. કલામે વિજ્ઞાન ક્ષેત્રે એવું કામ કર્યું કે આજે તેમનું નામ માત્ર દેશમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં ગર્વથી લેવાય છે. ગડકરીના આ નિવેદનને મુસ્લિમ સમુદાયમાં શિક્ષણના મહત્વ પર એક મજબૂત સંદેશ તરીકે જોવામાં આવી રહ્યું છે.