Last Updated on by Sampurna Samachar
મહારાષ્ટ્રમાં મનસેના કાર્યકરોના ત્રાસથી લોકો ત્રસ્ત
સ્થાનિક પોલીસને મનસે વિરુદ્ધ ફરિયાદ ન મળતાં કોઇ કાર્યવાહી નહીં
(સંપૂર્ણ સમાચાર સેવા)
મહારાષ્ટ્રમાં મરાઠી ભાષા વિવાદ રોકાવાનુ નામ લેતો નથી અને દિવસે ને દિવસે વધી રહ્યો છે. મનસે સહિતના અમુક રાજકીય પક્ષોના કાર્યકરો દ્વારા મુંબઈવાસીઓ પર મરાઠી ભાષા બોલવા દબાણ કરતાં મારામારીનો એકાદ કિસ્સો રોજબરોજ બની રહ્યો છે. જ્યાં હાલમાં જ મનસેના કાર્યકરોએ મુંબઈ-અમદાવાદ હાઈવે પર આવેલી રેસ્ટોરન્ટ્સના ગુજરાતી ભાષામાં લગાવેલા સાઈનબોર્ડ તોડી નાખ્યા હતાં.

મળતી માહિતી મુજબ પાલઘર અને થાણેમાં મનસેના કાર્યકરોએ મરાઠી ભાષામાં સાઈન બોર્ડ મૂકવાની માગ કરતાં મુંબઈ-અમદાવાદ હાઈવે પર સ્થિત કાઠિયાવાડી રેસ્ટોરન્ટ્સ તેમજ હોટલોના ગુજરાતી ભાષાના સાઈનબોર્ડ તોડી પાડ્યા હતાં.
માલિકોએ પોતાના સાઈનબોર્ડ કાળા કપડાં વડે ઢાંકી દીધા
હાલોલી ગામ નજીક સ્થિત રેસ્ટોરન્ટમાં પણ ગુજરાતી ભાષામાં લગાવેલા સાઈનબોર્ડ તોડી પાડ્યા હતાં. મહારાષ્ટ્રમાં ભાષા વિવાદના કારણે સ્થિત વણસી રહી છે. મનસેના કાર્યકરોના મારપીટ અને ગુંડાગીરીથી લોકો ત્રસ્ત બન્યા છે. ઘણી રેસ્ટોરન્ટ અને હોટલ્સના માલિકોએ પોતાના મરાઠી સિવાય અન્ય ભાષામાં લખેલા સાઈનબોર્ડ કાળા કપડાં વડે ઢાંકી દીધા છે.
ઉલ્લેખનીય છે, થોડા સમય પહેલાં જ મનસેના કાર્યકરો દ્વારા મુંબઈ અને થાણેમાં અંગ્રેજી ભાષામાં લગાવેલા સાઈનબોર્ડ તોડી પાડવામાં આવ્યા હતાં. તેઓએ રાજ્યના નિયમનનો હવાલો આપી આ કાર્યવાહી હાથ ધરી હોવાનો દાવો કર્યો હતો. નિયમન મુજબ મહારાષ્ટ્રમાં વેપાર-ધંધો કરવા માટે મરાઠી ભાષામાં સ્પષ્ટપણે વંચાય તે રીતે સાઈનબોર્ડ લગાવવા અનિવાર્ય છે. સ્થાનિક પોલીસે જણાવ્યું હતું કે, આ મામલે મનસેના કાર્યકારો વિરૂદ્ધ કોઈ ફરિયાદ મળી ન હોવાથી કોઈ કાર્યવાહી હાથ ધરાઈ નથી.