Last Updated on by Sampurna Samachar
જયપુરના શિવદાસપુરા વિસ્તારમાંથી ચકચારી કિસ્સો
હત્યા બાદ આરોપી પરિવાર સાથે જ રહ્યો
(સંપૂર્ણ સમાચાર સેવા)
જયપુરના શિવદાસપુરા વિસ્તારમાંથી એવી ઘટના સામે આવી છે કે જ્યાં આપણે સંબંધો પર વિશ્વાસ કરતા પહેલા અચકાઇ જઇએ. વાત કરીએ તો જે રીતે મોટી માએ પોતાના ભત્રીજાને પરિવારનું અંગ ગણીને તેના પર વિશ્વાસ મુક્યો, તેણે જ ચાંદીના કડા અને અમુક દાગીનાની લાલચમાં આવી તેમની જિંદગી છીનવી લીધી. નવાઈની વાત એ પણ છે કે હત્યા બાદ આરોપી કેટલાય દિવસ સુધી પરિવારના લોકો સાથે બેસી મહિલાને શોધવાનો દેખાડો કરતો રહ્યો, જેથી તેના પર કોઈને શંકા ન જાય.

જયપુર દક્ષિણ પોલીસે આ સનસનીખેજ હત્યાકાંડનો ખુલાસો કરતા મૃતકના સગા ભત્રીજા અને તેના એક સાથીને ધરપકડ કરી લીધી છે. પોલીસની તપાસમાં સામે આવ્યું છે કે આરોપી પર લાખો રૂપિયાનું દેવું હતું અને તેને ખબર હતી કે તેની મોટી મમ્મી પાસે ચાંદી અને સોનાના દાગીના છે. આ લાલચમાં આવી તેણે હત્યા કરી અને પછી લાશને ઠેકાણે લગાવવા માટે એવું કાવતરું રચ્યું કે ઓળખાણ છુપાવી દીધી. પણ પોલીસની લાંબી પડતાલ અને ટેકનિકલ તપાસ બાદ આખરે આખું રહસ્ય ખુલી ગયું.
શિવદાસપુરા પોલીસે મુખ્ય આરોપીની કરી ધરપકડ
ડેપ્યુટી પોલીસ કમિશનર દક્ષિણ રાજર્ષિ રાજે જણાવ્યું કે, ૧૮ જૂનના રોજ બરાલા ગામમાંથી પસાર થઈ રહેલી ઢૂંઢ નદીના એક કૂવામાંથી મહિલાની લાશ મળવાની સૂચના મળી હતી. પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને લાશને બહાર કાઢી. તપાસમાં મૃતકની ઓળખ બલ્લૂપુરાના રહેવાસી ૫૪ વર્ષિય બીના દેવી બૈરવા તરીકે થઈ.
બીના દેવી ૧૧ જૂનથી ગુમ હતા અને તેઓ ગુમ થયાની ફરિયાદ પણ નોંધાવી હતી. લાશની હાલત જોઈ પોલીસ પણ ચોંકી ગઈ. તપાસમાં સામે આવ્યું કે, મહિલાના બંને પગ કપાયેલા હતા અને પગમાં પહેરેલા ચાંદીના કડા ગાયબ હતા. લાશને એક સાડી અને ભારે પથ્થરથી બાંધી લગભગ ૬૦ ફૂટ ઊંડા પાણીથી ભરેલા કૂવામાં ફેંકી દીધી હતી. જેથી લાશ ઉપર ન આવી શકે અને ઓળખની સાથે સાથે પૂરાવા પણ ખતમ થઈ જાય.
આ મામલાની ગંભીરતા જોતા પોલીસે ખાસ ટીમ બનાવી. ટીમે લગભગ ૨૦૦ લોકો સાથે પૂછપરછ કરી અને ટેકનિકલ તથા વૈજ્ઞાનિક પૂરાવા એકઠા કર્યા. આ દરમ્યાન મૃતકના ૨૪ વર્ષિય ભત્રીજા સૂરજ બૈરવા પોલીસના શંકાના દાયરામાં આવી ગયો. પોલીસે તેની પાસેથી ટેકનિકલ તથ્યોના આધાર પર પૂછપરછ કરી અને મનોવૈજ્ઞાનિક રીતે સવાલ કર્યા. આખરે તેણે હત્યા કરવાનું સ્વીકારી લીધું.
પોલીસના જણાવ્યા અનુસાર, સૂરજ પર લગભગ અઢી લાખનું દેવું હતું. તેને ખબર હતી કે બીના દેવી પાસે મોટી માત્રામાં ચાંદી અને સોનાના દાગીના છે. પૂછપરછમાં સામે આવ્યું કે ૧૧ જૂનના રોજ બીના દેવીએ તેને પદમપુરા દવા લેવા જવાની વાત કહી હતી. આરોપી તેને બહાનું બનાવી ઢૂંઢ નદી વિસ્તારમાં લીલું ઘાસ કાપવા માટે લઈ ગયો. ત્યાં પાછળથી પાવડાથી હુમલો કરી તેમને ગંભીર રીતે ઘાયલ કરી નાખ્યા.
પોલીસના જણાવ્યા અનુસાર, હત્યા બાદ આરોપીએ પગમાંથી ચાંદીના કડા કાઢવા માટે આરીનો ઉપયોગ કર્યો. પણ તે સફળ થયો નહીં તો તેણે બંને પગ કાપી નાખ્યા. ત્યાર બાદ કાનમાં પહેરેલા સોનાના ટોપ્સ અને નાકની વાળી પણ ઉતારી લીધી. ઘટના બાદ આરોપીએ લાશને નદીના પટમાં દબાવી દીધી. રાત થતાં પોતાના મિત્ર વિનોદ બૈરવાને બોલાવ્યો. બંનેએ મળી લાશને સાડી અને ભારે પથ્થર સાથે બાંધી નજીકના કૂવામાં ફેંકી દીધી. જેથી કોઈને ખબર ન પડે.
શિવદાસપુરા પોલીસે મુખ્ય આરોપી સૂરજ બૈરવા અને તેના સહયોગી વિનોદ બૈરવાની ધરપકડ કરી લીધી છે. આરોપીના કહેવા પ્રમાણે પોલીસે ચાંદીના કડા, મૃતકનો મોબાઈલ ફોન અને ઘટનામાં ઉપયોગ થયેલ મોટરસાયકલ જપ્ત કરી લીધી છે. પોલીસનું કહેવું છે કે આ મામલામાં અન્ય પૂરાવા અને તપાસ માટે કામ ચાલી રહ્યું છે.