Last Updated on by Sampurna Samachar
કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ પાણી રિસાયકલ પર કરી વાત
મથુરા શહેરના ગંદા પાણીને રિસાયકલ કરાયું
(સંપૂર્ણ સમાચાર સેવા)
કેન્દ્રીય માર્ગ અને પરિવહન મંત્રી નીતિન ગડકરી ઇનોવેટિવ અને શ્રેષ્ઠ મેનેજમેન્ટ માટે સફળ આઇડિયા માટે જાણીતા છે. તેમણે હાલમાં જ જણાવ્યું હતું કે, સરકારે નાગપુરમાં ટોયલેટનું પાણી રિસાયકલ કરી રૂ. ૩૦૦ કરોડની કમાણી કરી છે. આ સાથે તેમણે વોટર રિસાયક્લિંગ પર ભાર મૂક્યો છે.
નીતિન ગડકરીએ જણાવ્યું કે, વોટર રિસાયક્લિંગનો પ્રથમ સફળ પ્રોજેક્ટ મથુરામાં પૂરો થયો હતો, ત્યારે હું જળ સંશાધન, નદી વિકાસ અને ગંગા સંરક્ષણ મંત્રી હતો. ૨૦૧૭ થી ૨૦૧૯ દરમિયાન પબ્લિક-પ્રાયવેટ પાર્ટનરશીપ હેઠળ એક પ્રોજેક્ટ પૂર્ણ કર્યો હતો. જેમાં મથુરા શહેરના ગંદા પાણીને રિસાયકલ કરી તેને ઇન્ડિયન ઓઇલની મથુરા રિફાઇનરીમાં રૂ. ૨૦ કરોડમાં વેચ્યું હતું.
જળ બચાવોના મિશનને વેગ મળી શકે
આ પ્રોજેક્ટમાં સરકારે ૪૦ ટકા અને રોકાણકારોએ ૬૦ ટકા રોકાણ કર્યું હતું. ત્યારે મથુરામાં ૯૦ MLD નો કાંપ હતો. આ પ્રોજેક્ટમાં પાણીને શુદ્ધ કરી તેને મથુરા રિફાઇનરીને વેચ્યું હતું. મથુરા રિફાઇનરીને અમે તેના પાણી માટે થતાં ખર્ચ કરતાં સસ્તા દરે પાણી વેચ્યું હતું.
ગડકરીએ જણાવ્યું હતું કે, મથુરા રિફાઇનરી માટે અમે રૂ. ૨૦ કરોડમાં રિસાયક્લ્ડ વોટર પૂરું પાડ્યું હતું. જે યુપી સરકાર પાસેથી વાર્ષિક રૂ.૨૫ કરોડના ખર્ચે પાણી ખરીદી રહી હતી. અમે ટોયલેટનું પાણી વેચી વાર્ષિક રૂ. ૩૦૦ કરોડ કમાતા હતા. દરેક શહેરમાં જો પાણી રિસાયકલ (RECYCLE) કરી ઉદ્યોગ માટે તેનો ઉપયોગ કરવામાં આવે તો જળ બચાવોના મિશનને વેગ મળી શકે છે.