Last Updated on by Sampurna Samachar
૧૬ એપ્રિલે જિલ્લા ફેર બદલી કેમ્પ યોજાશે
મુખ્ય શિક્ષકો શાળાની પસંદગી કરી શકશે
(સંપૂર્ણ સમાચાર સેવા)
લાંબા સમયથી બદલીના રાહ જોઈ રહેલા મુખ્ય શિક્ષક માટે એક સારા સમાચાર સામે આવી રહ્યા છે. નવા નાણાકીય વર્ષની શરૂઆત થતાં જ રાજ્ય સરકારે આ શિક્ષકોને ખુશખબર આપી છે. આગામી ૧૬ એપ્રિલે રાજ્યની પ્રાથમિક શાળાઓના મુખ્ય શિક્ષકો માટે જિલ્લા ફેર બદલી કેમ્પ યોજાશે. શિક્ષણ વિભાગે અગાઉ સ્થગિત કરાયેલા આ કેમ્પ માટે નવી તારીખો જાહેર કરી છે.
શિક્ષણ વિભાગે ૨૮ માર્ચ, ૨૦૨૫ ના સુધારા ઠરાવ દ્વારા જિલ્લા ફેર બદલીના નિયમોમાં ફેરફાર કર્યા બાદ હવે તેને અમલમાં મૂકવાનો ર્નિણય લીધો છે. જેથી આગામી ૪ એપ્રિલે મુખ્ય શિક્ષકોની અગ્રતા-શ્રેયાનતા યાદી જાહેર કરવામાં આવશે, જે બાદ ૧૬ એપ્રિલે શાળા પસંદગીની પ્રક્રિયા પૂર્ણ થશે અને મુખ્ય શિક્ષકો શાળાની પસંદગી કરી શકશે.
લાંબા સમયથી બદલીની રાહ જોતાં શિક્ષકો માટે ર્નિણય મહત્વપૂર્ણ
અગ્રતા યાદી એટલે કે, જે શિક્ષકા કે શિક્ષક વિધુર/વિધવા હોય, દિવ્યાંગ હોય, દંપતી શિક્ષક જ હોય અથવા દંપતીમાંથી એકને અન્ય અન્ય કોઈ સરકારી નોકરી હોય તે લોકોને આ યાદીમાં સ્થાન મળે છે, જ્યારે શ્રેયાનતા યાદીમાં સિનિયોરિટીને આધારે સ્થાન મળે છે,
દા. ત. જે વ્યક્તિએ શિક્ષકની નોકરી શરૂ કરી એ ખાતામાં દાખલ થયાની તારીખ અને જો કોઈ કિસ્સામાં બે કે ત્રણ શિક્ષકોની આ તારીખ સરખી થાય તો, બાદમાં જન્મ તારીખ ધ્યાને લેવાય છે. ગયા વર્ષે ૩૧ ડિસેમ્બરના રોજ પ્રાથમિક શિક્ષણ નિયામક કચેરીએ જિલ્લાના ફેર બદલી કેમ્પ માટે સૂચના આપી હતી. જે બાદ ૨૩ જાન્યુઆરી ૨૦૨૫ના રોજ શિક્ષણ વિભાગે વિવિધ કારણોસર કેમ્પ સ્થગિત કર્યો હતો.
જોકે હવે ૩ દિવસ અગાઉ ૨૮ માર્ચ ૨૦૨૫ના રોજ એક સુધારા ઠરાવ દ્વારા શિક્ષણ વિભાગે નવી માર્ગદર્શિકા જાહેર કરી અને કેમ્પ યોજવાનો ર્નિણય કર્યો છે. લાંબા સમયથી બદલીની રાહ જોઈ રહેલા મુખ્ય શિક્ષકો માટે આ ર્નિણય મહત્વપૂર્ણ છે. બદલીની પ્રક્રિયા સ્પષ્ટ અને સુનિશ્ચિત બનાવવા માટે શિક્ષણ વિભાગે ઑફલાઇન પદ્ધતિ અપનાવી છે.
કેમ્પમાં જિલ્લા ફેર બદલી માટે અરજી કરનારા મુખ્ય શિક્ષકોને માત્ર શ્રેયાનતા યાદી મુજબ જ શાળાની ફાળવણી આપવામાં આવશે, જેથી ન્યાયસંગત અને પારદર્શક પદ્ધતિથી બદલી પ્રક્રિયા પૂર્ણ થઈ શકે તથા શાળાની ફાળવણીમાં કોઈ ગરબડ ન થાય. આ ર્નિણયથી રાજ્યના શિક્ષકોમાં હર્ષ છે, કારણ કે લાંબા સમયથી તેઓ તેમના ગામ અથવા નજીકના જિલ્લામાં બદલીની રાહ જોઈ રહ્યા હતા જે હવે શક્ય બનશે.