ચાંદીનો ભાવ રૂ.૫૦૦ ઘટી રૂ. ૯૧૦૦૦ પ્રતિ કિગ્રા પર ક્વોટ થયો
(સંપૂર્ણ સમાચાર સેવા)
અમેરિકામાં ફેડ રિઝર્વ દ્વારા યોજાનારી બેઠક પૂર્વે વૈશ્વિક સ્તરે સોના-ચાંદીના ભાવમાં ઘટાડો જોવા મળ્યો હતો. પરંતુ અમેરિકાની ટેરિફ નીતિ મુદ્દે ભીતિના કારણે સ્થાનિક બજારોમાં તેજી જોવા મળી છે. ત્યારે અમદાવાદમાં સોનું ફરી રૂ. ૫૦૦ વધી રૂ. ૮૩, ૫૦૦ પ્રતિ ૧૦ ગ્રામની સર્વોચ્ચ ટોચે પહોંચ્યું છે. MCX ખાતે છેલ્લા દસ દિવસમાં સોનું રૂ. ૨૦૦૦ પ્રતિ ૧૦ ગ્રામ મોંઘુ થયું છે. ઉલ્લેખનીય છે, ચાંદીનો ભાવ રૂ.૫૦૦ ઘટી રૂ. ૯૧૦૦૦ પ્રતિ કિગ્રા પર ક્વોટ થયો હતો.
ચીનમાં લુનાર ન્યૂ યર હોલિડે ચાલી રહ્યો હોવાથી બજારો બંધ છે. રોકાણકારો ચાલુ કેલેન્ડર વર્ષની પ્રથમ ફેડ બેઠક પર નજર રાખી રહ્યા છે. સપ્ટેમ્બરથી ડિસેમ્બર સુધી ૧૦૦ બેઝિસ પોઈન્ટનો ઘટાડો ક્યા બાદ ફેડ આ બેઠકમાં હોકિશ વલણ જાળવી રાખે તેવી શક્યતાઓ અર્થશાસ્ત્રીઓ વ્યક્ત કરી રહ્યા છે. પરંતુ અમેરિકાના નવા રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે વ્યાજના દરો ઘટાડવા અપીલ કરી છે.
જેથી તમામ માર્કેટ માટે આ ફેડની બેઠક મહત્ત્વની બની છે. ડોલર સામે રૂપિયો ઈન્ટ્રા ડે તૂટ્યા બાદ અંતે ૧ પૈસા સુધરી ૮૬.૫૬ પર બંધ રહ્યો હતો. ડોલર ઈન્ડેક્સ પણ વ્યાજના દર યથાવત રહેવાની શક્યતા સાથે ૧૦૮ ડોલર પર ટ્રેડ થઈ રહ્યો હતો.