Last Updated on by Sampurna Samachar
પોતાના મંગેતર સાથે વોટર પાર્કમાં ફરવા ગઇ જ્યાં બની ઘટના
યુવતીના પરિવારે પાર્કના મેનેજમેન્ટ પર લગાવ્યા આરોપ
(સંપૂર્ણ સમાચાર સેવા)
દિલ્હીના કાપશેરા વિસ્તારના ‘ફન એન્ડ ફૂડ વિલેજ‘માં એક મોટો અકસ્માત સર્જાયો હતો. અહીં ૨૪ વર્ષની પ્રિયંકાનું રોલર કોસ્ટર રાઈડ પરથી પડી જવાથી મોત થયું હતું. એવું કહેવામાં આવી રહ્યું છે કે તેણીએ પોતાનું સંતુલન ગુમાવ્યું અને સવારીમાંથી પડી ગઈ, જેના કારણે તેણીને ગંભીર ઈજા થઈ હતી.
પ્રિયંકાને નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી, પરંતુ ડોક્ટરોએ તેને મૃત જાહેર કરી હતી. હાલમાં દિલ્હી પોલીસે માહિતી આપી છે કે કલમ ૨૮૯/૧૦૬ હેઠળ FIR નોંધવામાં આવી છે અને આગળની કાર્યવાહી ચાલી રહી છે.
યુવતી અચાનક પડી ગઇ ને પહોંચી ગંભીર ઇજા
પ્રાપ્ત માહિતી અનુસાર પ્રિયંકા તેના મંગેતર સાથે વોટર પાર્કમાં ગઈ હતી. તેમના ફેબ્રુઆરી ૨૦૨૬ માં લગ્ન હતા. તેમણે તેના મંગેતર સાથે વોટર પાર્કમાં જવાનું આયોજન કર્યું હતું. આ પછી બંને વિકેન્ડ પર ફન એન્ડ ફૂડ વિલેજ પહોંચ્યા. અહીં તેણે અનેક પ્રકારના સ્વિંગ પર ઝૂલ્યા અને પછી રોલર કોસ્ટર રાઈડ લીધી. જ્યારે રોલર કોસ્ટર ઘણી ઉંચાઈએ પહોંચ્યું ત્યારે પ્રિયંકા અચાનક સીધી નીચે પડી ગઈ. તેનું સંતુલન બગડ્યું હોવાની આશંકા છે.
પ્રિયંકા એક ખાનગી કંપનીમાં સેલ્સ મેનેજર હતી. તેના ઘરે માતા-પિતા અને ભાઈ-બહેન છે. મંગેતરે જણાવ્યું કે જ્યારે તેઓ રોલર કોસ્ટરમાં બેઠા હતા ત્યારે અચાનક પ્રિયંકા પડી ગઈ હતી. તેમને ગંભીર ઈજા થઈ હતી. તેને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો, પરંતુ ત્યાં સુધીમાં તેનું મોત થઈ ગયું હતું. તબીબોએ તેને મૃત જાહેર કરી છે.
આ અકસ્માત બાદ વોટર પાર્ક મેનેજમેન્ટે રોલર કોસ્ટર બંધ કરી દીધું છે. તેમજ પાર્કનો તે આખો ભાગ સમારકામ માટે બંધ કરી દેવામાં આવ્યો છે. હવે પ્રિયંકાનો પરિવાર વોટર પાર્ક પર બેદરકારીનો ગંભીર આરોપ લગાવી રહ્યું છે.
પરિવારજનોનું કહેવું છે કે, પ્રિયંકા પડી ગયા બાદ તેને સમયસર હોસ્પિટલ લઈ જવામાં આવી ન હતી. પરિવારનો દાવો છે કે, અકસ્માત બાદ તેમની ભૂલ છુપાવવા માટે રોલર કોસ્ટર વિસ્તાર પણ બંધ કરી દેવામાં આવ્યો છે. હવે પોલીસ પાસે તેમની માંગ છે કે જવાબદારો સામે કડક કાર્યવાહી કરવામાં આવે.