Last Updated on by Sampurna Samachar
મુંબઈના મીરા-ભાયંદર વિસ્તારની ઘટના
ભારે વરસાદના કારણે મુંબઇમાં જળબંબાકાર
(સંપૂર્ણ સમાચાર સેવા)
વરસાદના કારણે મુંબઈ સહિત આસપાસના વિસ્તારોની હાલત ખૂબ જ ખરાબ જોવા મળી રહી છે. દરેક જગ્યાએ પાણી ભરાઈ ગયું છે, રસ્તા પર ખાડા પડી ગયા છે. ભારે પવનના કારણે વૃક્ષો ધરાશાયી થઈ રહ્યા છે. એવામાં મુંબઈના મીરા-ભાયંદર વિસ્તારમાંથી એક દુ:ખદ સમાચાર સામે આવ્યા છે.

મીરા-ભાયંદરના રાઈ ગામમાં ભારે વરસાદની વચ્ચે રસ્તા પરથી પસાર થઈ રહેલા ૩૫ વર્ષીય સ્કૂટર ચાલક રાહુલ અશોક પાટીલ પર અચાનક એક નાળિયેરનું ઝાડ પડ્યું હતું. જેના કારણે રાહુલને ગંભીર ઈજા થઈ હતી.
અગાઉ ચેમ્બૂર વિસ્તારમાં આવી જ ઘટના બની હતી
દુર્ઘટના બાદ સ્થાનિકોએ રાહુલને ભારે ભરખમ ઝાડની નીચેથી બહાર કાઢ્યો હતો અને ગંભીર હાલતમાં તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કર્યો હતો. જ્યાં સારવાર દરમિયાન રાહુલનું મૃત્યુ થયું. ઉલ્લેખનીય છે કે મૃતક રાહુલ પાટીલ મીરા-ભાયંદર નગર પરિષદના પૂર્વ ડેપ્યુટી મેયર અશોક પાટીલનો પુત્ર હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે, મુંબઈના ચેમ્બૂર (પૂર્વ) વિસ્તારમાં પણ આવી જ ઘટના બની હતી. ડાયમંડ ગાર્ડન પાસે એક મોટું પીપળનું ઝાડ બસ પર પડ્યું હતું. આ દુર્ઘટનામાં ૧૧ વર્ષના વિહાન શ્રીવાસ્તવનું મોત થયું હતું.
દુર્ઘટનાનો ભોગ બનેલો આ બાળક તેના માતા-પિતાનો એકનું એક સંતાન હતો. જેના ગઈકાલે ક્રિકેટ બોલની સાથે જ અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. હવે પૂર્વ ડેપ્યુટી મેયરના પુત્રનું પણ વૃક્ષ નીચે દબાઈને મોત થયું છે.