Last Updated on by Sampurna Samachar
છેલ્લા ૧૨ દિવસમાં જિલ્લામાં ૧૫ લોકોએ જીવ ગુમાવ્યા
પૂર્વ મુખ્યમંત્રીનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ
(સંપૂર્ણ સમાચાર સેવા)
દેશમાં ચારે તરફ મેધરાજા ધબધબાટી બોલાવી રહ્યા છે. ત્યારે હિમાચલ પ્રદેશમાં અતિભારે વરસાદને કારણે ભયાવહ સ્થિત સર્જી છે. આ દરમિયાન હિમાચલ પ્રદેશના મંડી જિલ્લાના સરાજ વિસ્તારમાં પહાડોમાં અચાનક ભૂસ્ખલન થતાં પૂર્વ મુખ્યમંત્રી જયરામ ઠાકુરની ગાડી પર ઓચિંતા પથ્થર પડે છે. એટલામાં પૂર્વ મુખ્યમંત્રી ભાગીને પોતાનો જીવ બચાવતા હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહ્યો છે.

તમને જણાવી દઈએ કે, ચંડીગઢ-મનાલી રાજમાર્ગ પંડોહમાં પણ ભૂસ્ખલન થવાથી લગભગ ૬.૫ કિ.મી.ના રસ્તો બ્લોક થયો હતો. જોકે, આ પછી જેસીબી બોલાવીને કાટમાળને દૂર કરવામાં આવી રહ્યો છે. સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ અનુસાર, છેલ્લા ૧૨ દિવસમાં જિલ્લામાં ૧૫ લોકોએ જીવ ગુમાવ્યા છે. જ્યારે ૨૭ લોકો ગુમ છે અને ૧૬ મેગાવોટના હાઇડ્રોઇલેક્ટ્રિક પ્રોજેક્ટને પણ ભારે નુકસાન થયું છે.
ભારે વરસાદથી હિમાચલમાં જન જીવન ખોરવાયું
સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરના આંકડા મુજબ, ૨૦ જૂનથી ૧૧ જુલાઈ દરમિયાન રાજ્યમાં વાદળ ફાટવા અને વરસાદને કારણે ૯૨ લોકોએ જીવ ગુમાવ્યા છે. મૃતકોમાં ૫૬ લોકોના મોત વાદળ ફાટવા, ભૂસ્ખલન, અચાનક પૂર, વીજળીના આંચકા અને ડૂબવાથી થયા છે. જ્યારે બાકીના ૩૬ લોકોના મોત માર્ગ અકસ્માતોથી સંબંધિત હતા. કુલ્લુ, ચંબા અને મંડી જેવા જિલ્લાઓ તેની અસર હેઠળ આવ્યા છે.
રાજ્યભરમાં ૮૪૪ ઘરો અને ૬૩૧ ગૌશાળાને નુકસાન થયું છે. આ ઉપરાંત, ૧૬૪ દુકાનો, ૩૧ વાહનો અને ૧૪ પુલો પણ ક્ષતિગ્રસ્ત થયા છે. તેમજ વીજળી અને પાણી પુરવઠાને પણ અસર થઈ છે. જેમાં ૪૬૩ ટ્રાન્સફોર્મર અને ૭૮૧ પાણી યોજનાઓ ખોરવાઈ ગઈ છે.