Last Updated on by Sampurna Samachar
પંજાબમાં આયોજીત કાર્યક્રમમાં કેજરીવાલે કહ્યું
મેં દિલ્હીમાં અનેક કામો કર્યા : કેજરીવાલ
(સંપૂર્ણ સમાચાર સેવા)
દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે જણાવ્યું હતું કે, સુશાસન માટે મને નોબલ પુરસ્કાર મળવો જોઈએ. એલજીએ અટકાવ્યા હોવા છતાં મેં જેટલુ કામ કર્યું છે, તેને ધ્યાનમાં લેતાં શાસન અને વહીવટી તંત્ર માટે મને નોબલ પુરસ્કાર મળવો જોઈએ. અગાઉ પણ કેજરીવાલે પોતાના બે સાથી મિત્રો મનિષ સિસોદિયા અને સત્યેન્દ્ર જૈન માટે ભારત રત્નની માંગ કરી હતી.

આમ આદમી પાર્ટીના વરિષ્ઠ નેતા જાસમીન શાહના પુસ્તક કેજરીવાલ મૉડલને પંજાબી ભાષામાં લોન્ચ કરવામાં આવ્યું છે. પંજાબના મોહાલીમાં સ્થિત કલકટ ભવનમાં આયોજિત કાર્યક્રમમાં કેજરીવાલે પોતાની એક સામાન્ય કર્મચારીથી નેતા બનવા સુધીની વાર્તા સંભળાવી હતી.
ભાજપ પર નિશાન સાધતાં કેજરીવાલ
દિલ્હીમાં પોતાની સરકાર દ્વારા કરવામાં આવેલા કામકાજનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેમણે શિક્ષણ અને સ્વાસ્થ્ય ક્ષેત્રે પોતાની સરકારમાં થયેલા કામકાજના વખાણ કર્યા હતાં. ઉલ્લેખનીય છે, અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે પણ પોતાના માટે નોબલ પ્રાઈઝની માંગ કરી છે.
RTI કાર્યકર તરીકે મેગ્સેસે એવોર્ડ જીતનારા અરવિંદ કેજરીવાલે પોતાના માટે નોબલ પુરસ્કારની માંગ કરી છે. તેમણે કહ્યું કે, જેટલા દિવસ અમારી સરકાર રહી, અમને કામ કરતાં અટકાવવામાં આવ્યા હોવા છતાં અમે કામ કર્યું.
મને ગવર્નન્સની ઉપર અને એડમિનિસ્ટ્રેશનની અંદર રહીને ઘણા સારા કામો કરવા બદલ નોબલ પુરસ્કાર મળવો જોઈએ. લેફ્ટનન્ટ ગવર્નરે અટકાવ્યો હોવા છતાં મેં દિલ્હીમાં અનેક કામો કર્યા. વધુમાં ભાજપ પર નિશાન સાધતા કહ્યું કે, તેઓ કામ કરવા માંગતા પણ નથી, અને કરવા દેવા પણ. ત્રણ વખત દિલ્હીના મુખ્યમંત્રી રહી ચૂકેલા અરવિંદ કેજરીવાલને કેન્દ્ર સરકાર દ્વારા નિમણૂક કરાયેલા લેફ્ટનન્ટ ગવર્નર દરેક કામમાં અટકાવતાં હતા.
કેજરીવાલે આગળ કહ્યું કે, હું એક એવુ મૉડલ બનાવવા માગતો હતો કે, સરકારી શાળા અને હોસ્પિટલ શ્રેષ્ઠ બને. હું કોઈ રાજા નથી. મને ચૂંટણી જીતવાનો પણ શોખ નથી. પણ હું ઈચ્છતો હતો કે, અમે એક મૉડલ તૈયાર કરીએ.
એક એવી અપેક્ષા કે, જે આપણા દેશમાં વિસરાઈ ગઈ હતી કે, સરકારી શાળા અને હોસ્પિટલ શ્રેષ્ઠ સેવા આપનારા બની શકે છે. અમે લોકોનો માઈન્ડસેટ બદલવા માગતા હતા કે, પ્રમાણિકતા સાથે કામ કરીએ તો શાળા પણ ઠીક થઈ શકે છે, હોસ્પિટલ પણ ઠીક થઈ શકે છે. વીજ સેવા અને રસ્તાઓ પણ ઠીક થઈ શકે છે. અમે તે કરીને બતાવ્યું છે.