Last Updated on by Sampurna Samachar
માતા-પિતાએ જિલ્લા બાળ કલ્યાણ સમિતિનો સંપર્ક કર્યો હતો
પોલીસે પાંચેય નરાધમોને ઝડપી લઇ કાર્યવાહી હાથ ધરી
(સંપૂર્ણ સમાચાર સેવા)
ઓડિશાના કેન્દ્રાપાડા જિલ્લામાંથી ગુરુ-શિષ્યના પવિત્ર સંબંધને લજવતો એક અત્યંત શરમજનક કિસ્સો પ્રકાશમાં આવ્યો હતો. અહીં એક ખાનગી શાળાના પાંચ શિક્ષકોએ મળીને ૧૩ વર્ષની સગીરા પર સામૂહિક દુષ્કર્મ ગુજાર્યું હોવાની ઘટના સામે આવી છે. આ મામલે પોલીસે પાંચેય આરોપી શિક્ષકોની ધરપકડ કરી લેવામાં આવી છે.

મળતી માહિતી મુજબ, ભોગ બનનાર સગીરા ધોરણ-૭ માં અભ્યાસ કરે છે. બાળકીએ તેના માતા-પિતાને જાણ કરી હતી કે, શાળાના શિક્ષકો લાંબા સમયથી તેનું જાતીય શોષણ કરી રહ્યા છે. આ સાંભળી ચોંકી ઉઠેલા માતા-પિતાએ તાત્કાલિક જિલ્લા બાળ કલ્યાણ સમિતિનો સંપર્ક કર્યો હતો.બાળ કલ્યાણ સમિતિએ આ મામલે પ્રાથમિક તપાસ હાથ ધરી હતી.
વિપક્ષ બીજેડીએ નરાધમોને કડક સજા આપવા કરી માંગ
સમિતિના સભ્ય સ્વાગતિકા પાત્રાએ જણાવ્યું કે, “અમને ૧૮ ફેબ્રુઆરીએ ફરિયાદ મળી હતી. ૪૮ કલાકની તપાસ બાદ અમે આ મામલો કાયદેસરની કાર્યવાહી માટે પોલીસને સોંપ્યો હતો.” સમિતિએ જિલ્લા શિક્ષણ અધિકારીને પણ આ બાબતે અલગથી તપાસ કરવા આદેશ આપ્યો છે.
રાજકનિકા પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર સંજય મલિકે જણાવ્યું કે, સગીરાના પિતા અને બાળ કલ્યાણ સમિતિની ફરિયાદના આધારે પાંચેય આરોપી શિક્ષકોની ધરપકડ કરાઇ હતી. પોલીસ હાલ આ મામલે ઊંડી તપાસ કરી રહી છે કે આ રેકેટમાં અન્ય કોઈ સંડોવાયેલું છે કે કેમ. આ ઘટનાને પગલે સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. વિપક્ષ બીજેડીએ આ મામલે કેન્દ્રાપાડા એસપીને આવેદનપત્ર પાઠવીને દોષિતોને કડકમાં કડક સજા કરવાની માંગ કરી છે.