Last Updated on by Sampurna Samachar
બંને પાયલટને હતો સારો એવો અનુભવ
વૉલ સ્ટ્રીટ જર્નલે આપ્યો અહેવાલ
(સંપૂર્ણ સમાચાર સેવા)
એર ઈન્ડિયા વિમાન દુર્ઘટના મામલે અમેરિકન તપાસ રિપોર્ટ આવ્યા બાદ વિવાદ તેજ થઈ રહ્યો છે. એક પાયલટ સંગઠને પાયલટ પર કરવામાં આવતા દોષારોપણને ઉતાવળિયું અને બેજવાબદારી પૂર્વકનું વર્તન જણાવ્યું.

પાયલટ સંગઠનનું આ નિવેદન ત્યારે સામે આવ્યું છે, જ્યારે એક નવા અમેરિકન રિપોર્ટમાં કૉકપિટ રેકોર્ડિંગને ટાંકીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, કેપ્ટને એન્જિનમાં ફ્યુલની સપ્લાઇ બંધ કરી દીધી હતી, જેના કારણે અકસ્માત સર્જાયો.
FIP એ સત્તાવાર નિવેદન બહાર પાડ્યુ
વૉલ સ્ટ્રીટ જર્નલના અહેવાલ અનુસાર, બ્લેક બોક્સ રેકોર્ડિંગથી એ જાણકારી મળી છે કે, ઉડાન દરમિયાન કેપ્ટને એન્જિનની ફ્યુલ કંટ્રોલ સ્વિચ બંધ કરી દીધી હતી, જેનાથી વિમાને કામ કરવાનું બંધ કરી દીધું અને ગંભીર સ્થિતિ ઊભી થઈ હતી.
આ રિપોર્ટના સામે આવતાની સાથે જ ભારતીય પાયલટ સંગઠન ફેડરેશન ઑફ ઈન્ડિયન પાયલટ્સ (FIP) એ સત્તાવાર નિવેદન જાહેર કરતા રિપોર્ટની ભાષા, નિષ્કર્ષ અને નિષ્પક્ષતા પર સવાલ ઊભા કર્યા છે. FIP ના અધ્યક્ષ કેપ્ટન સી. એસ, રંધાવાના નામથી જાહેર કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું કે, પાયલટ પ્રતિનિઘિઓને તપાસ પ્રક્રિયામાંથી બહાર રાખવાને લઈને અમે ગંભીર અસંતોષ વ્યક્ત કર્યો છે.
જે પ્રાથમિક રિપોર્ટ જાહેર કરવામાં આવ્યો છે, તે ન તો પૂરો છે અને ન નિષ્પક્ષ. તેમાં ફક્ત ગણતરીના કૉકપિટ ઓડિયોને તોડી-મરોડીને પાયલટની ક્ષમતા અને નિયત પર સવાલ કરવામાં આવી રહ્યા છે, જે સંપૂર્ણ રીતે અયોગ્ય છે.
પૂર્ણ, પારદર્શી અને ડેટા-આધારિત તપાસ પહેલાં કોઈના માથે પણ દોષનું ઠીકરૂ ફોડવું ન ફક્ત બેજવાબદારી છે પરંતુ, તેનાથી મૃતક અને પાયલટના પરિવાર અને સહકર્મીઓને પણ ભારે આઘાત પહોંચે છે. અમે મીડિયા અને અન્ય સંબંધિત સંસ્થાઓને અપીલ કરીએ છીએ કે, આંશિક તથ્યો પર આધારિત નેરેટિવથી બચો અને નિષ્પક્ષ પ્રક્રિયાનું સન્માન કરો.
જણાવી દઈએ કે, અમદાવાદમાં એર ઈન્ડિયાનું જે વિમાન દુર્ઘટનાગ્રસ્ત થયું તેની કમાન ૫૬ વર્ષીય પાયલ સુમિત સબ્બરવાલ અને ક્લાઇવ કુંદરના હાથમાં હતી. સુમિત પાસે કુલ ૧૫,૬૩૮ કલાકની ઉડાનનો અનુભવ હતો. વળી વિમાનના કો-પાયલટ ૩૨ વર્ષીય ક્લાઇવ કુંદર પાસે કુલ ૩,૪૦૩ કલાકનો ઉડાન અનુભવ હતો.