Last Updated on by Sampurna Samachar
ફરિયાદીએ વળતરની માંગણી કરી
પોલ્ટ્રી ફોર્મના માલિકે પોલીસ ફરિયાદ નોંધાવી
(સંપૂર્ણ સમાચાર સેવા)
ઉત્તર પ્રદેશના સુલતાનપુર જિલ્લામાં વિચિત્ર ઘટના સામે આવી છે. જ્યાં તીવ્ર ઉંચા અવાજના કારણે મરઘીના મોત થતાં પોલ્ટ્રી ફોર્મના માલિકે પોલીસ ફરિયાદ નોંધાવી છે. વિગત એવી છે કે દરિયાપુર ગામમાં પોલ્ટ્રી ફાર્મ ધરાવતા માલિકનો આરોપ છે કે, ગામમાં યોજાયેલા એક લગ્ન પ્રસંગમાં ખૂબ જ ઊંચા અવાજમાં ડીજે વાગતું હોવાને કારણે તેમની ૧૪૦ મરઘાના મોત થયા છે. આ ઘટનાની પોલીસે તપાસ શરુ કરી છે.

બલ્દીરામ પોલીસ સ્ટેશનમાં થયેલી ફરિયાદ પ્રમાણે બબ્બન વિશ્વકર્માની દીકરીના લગ્ન હતા. જાન આવી ત્યારે તીવ્ર અવાજે ડીજે વાગતું હતું. લગ્નસ્થળની નજીક જ શાબિરનું પોલ્ટ્રી ફાર્મ હતું. અવાજની તીવ્રતા અસહ્ય હોવાથી શાબિરે અવાજ ધીમો કરવાની વિનંતી કરી, પરંતુ જાનૈયાઓએ અને ડીજેવાળાએ ઝઘડો કર્યો.
મરઘીના સેમ્પલ લઈને આગળની તપાસ શરૂ
ફરિયાદીએ દાવો કર્યો કે અસહ્ય તીવ્ર અવાજથી મરઘીઓ ભય પામી ગઈ હતી અને અવાજ સહન ન થતાં ફફડીને મરી ગઈ. તેના પોલ્ટ્રી ફાર્મમાં એક-બે કે પાંચ-પચ્ચીસ નહીં, પરંતુ ૧૪૦ મરઘીનાં મોત થઈ ગયા હતા. શાબિરના દાવા પછી પોલીસે ડીજે સંચાલક કવિ યાદવ સામે ફરિયાદ દાખલ કરીને તપાસ હાથ ધરી છે. ફરિયાદીએ વળતરની માગણી કરી છે.
નિષ્ણાતોએ એવો મત વ્યક્ત કર્યો હતો કે ખૂબ જ તીવ્ર અવાજથી પક્ષીઓ અને પ્રાણીઓ પર ગંભીર અસર થાય છે. પશુ-પક્ષીઓ ખૂબ ઊંચા અવાજથી ગભરાટમાં આવે છે અને તેમને હૃદયાઘાત લાગે છે. પોલીસે મરઘીના સેમ્પલ લઈને આગળની તપાસ શરૂ કરી છે.