Last Updated on by Sampurna Samachar
પ્લાસ્ટિકના નાના પાઉચ પર સંપૂર્ણ પ્રતિબંધની તૈયારી
પ્લાસ્ટિકના વિકલ્પ તરીકે સરકારે કુદરતી અને રિસાયકલ થઈ શકે તેવી સામગ્રીના પ્રયોગ માટેની છૂટ આપી શકે છે
(સંપૂર્ણ સમાચાર સેવા)
જો તમે પાન મસાલા કે ગુટખાના શોખીન છો, તો ટૂંક સમયમાં તમને આ પ્રોડક્ટ્સ નવા અવતારમાં જોવા મળશે.પર્યાવરણ અને જાહેર સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકાર હવે પ્લાસ્ટિકના નાના પાઉચ (સેશે) પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવાની તૈયારી કરી રહી છે.

ભારતીય ખાદ્ય સુરક્ષા અને માનક પ્રાધિકરણ દ્વારા ખાદ્ય સુરક્ષા અને માનક સુધારા નિયમ, ૨૦૨૬નો ડ્રાફ્ટ જાહેર કરવામાં આવ્યો છે. આ નવા નિયમનો હેતુ પાન મસાલા ઉદ્યોગમાંથી પ્લાસ્ટિકનો વપરાશ જડમૂળથી ખતમ કરવાનો છે.
પ્લાસ્ટિકના ઉપયોગ પર કડક મનાઈ
નવા ડ્રાફ્ટ મુજબ કોઈપણ પ્રકારના પ્લાસ્ટિક પેકેટ કે સેશે પર પ્રતિબંધ રહેશે. ઉપરાંત પોલીથીન, પીવીસી કે અન્ય સિન્થેટિક મટીરિયલ, ચમકદાર એલ્યુમિનિયમ ફોઇલ પેકેજિંગનો ઉપયોગ કરી શકાશે નહી. માત્ર વેચાણ જ નહીં, પણ આ ઉત્પાદનોના પેકેજિંગ, સ્ટોરેજ અને વિતરણમાં પણ પ્લાસ્ટિકના ઉપયોગ પર કડક મનાઈ ફરમાવવામાં આવશે.
પ્લાસ્ટિકના વિકલ્પ તરીકે સરકારે કુદરતી અને રિસાયકલ થઈ શકે તેવી સામગ્રીના પ્રયોગ માટેની છૂટ આપી શકે છે. જેમાં પેપર અથવા પેપર બોર્ડ, સેલ્યુલોઝ જેવી કુદરતી સામગ્રી, ટીન કન્ટેનર અથવા કાચની બોટલ/ડબ્બાનો ઉપયોગ કરી શકાશે.
પાન મસાલાના નાના પ્લાસ્ટિક પાઉચ ગમે ત્યાં ફેંકવાને કારણે ગટરો જામ થાય છે અને પર્યાવરણને ભારે નુકસાન થાય છે. આ કચરાનો નિકાલ કરવો લગભગ અશક્ય હોય છે. કુદરતી પેકેજિંગથી આ પ્રદૂષણ ઘટાડવામાં મદદ મળશે.
આ ડ્રાફ્ટ જાહેર કરીને આગામી ૩૦ દિવસમાં જનતા અને ઉદ્યોગ જગત પાસેથી સૂચનો અને વાંધાઓ મંગાવ્યા છે. આ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ સરકાર તેને કાયદા તરીકે લાગુ કરશે.