Last Updated on by Sampurna Samachar
ખરાબ સ્ટ્રક્ચરના કારણે લોકોને જીવ બચાવવામાં પડી મુશ્કેલી
લગભગ ૧૫ લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા
(સંપૂર્ણ સમાચાર સેવા)
દિલ્હીના શાહદરા વિસ્તારના વિવેક વિહારમાં ચાર માળની બિલ્ડિંગમાં AC બ્લાસ્ટ થવાની ચોંકાવનારી દુર્ઘટના સર્જાઇ હતી. જેમાં ચાર મહિલાઓ સહિત ૯ લોકોએ જીવ ગુમાવ્યો હતો. પ્રાથમિક તપાસમાં બિલ્ડિંગની કેટલીક બેદરકારી પણ સામે આવી છે, જેના કારણે રેસ્ક્યૂ ઓપરેશનમાં અનેક પરેશાનીનો સામનો કરવો પડ્યો અને બિલ્ડિંગના ખરાબ સ્ટ્રક્ચરના કારણે લોકોને પોતાના જીવ બચાવવામાં પણ મુશ્કેલી આવી હતી.

મળતી વિગતો મુજબ, ચાર માળની બિલ્ડિંગમાં AC માં બ્લાસ્ટ થયા બાદ અનેક ફ્લેટમાં ભીષણ આગ ફાટી નીકળી હતી, જેમાં ૯ લોકોના મોત થયા. ઘટનાની જાણ થતાં જ પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમ તુરંત દોડી આવી હતી, જોકે તેઓએ અનેક મુશ્કેલીનો સામનો કર્યા બાદ અત્યાર સુધીમાં લગભગ ૧૫ લોકોને સુરક્ષિત બહાર કાઢી લીધા હતા.
આગ લાગવાનુ કારણ અકબંધ
પોલીસ અધિકારીઓએ કહ્યું કે, વિવેક વિહાર ફેઝ-૧માં ચાર માળની બિલ્ડિંગમાં વહેલી સવારે આગ લાગી હતી. આગ એટલી ભયાનક હતી કે, તે અનેક ફ્લેટોમાં પહોંચી ગઈ હતી. પ્રાથમિક તપાસમાં એસી બ્લાસ્ટ અથવા શોર્ટ સર્કિટના કારણે લાગવાની આશંકા છે. જોકે હજુ ચોક્કસ કારણોની તપાસ કરવામાં આવી રહી છે.
એવી વિગતો સામે આવી છે કે, બિલ્ડિંગના ખરાબ સ્ટ્રક્ચરના કારણે લોકોએ પોતાનો જીવ ખોવો પડ્યો છે. રેસ્ક્યૂ ઓપરેશન દરમિયાન ધાબાનો દરવાજો બંધ હતો. આ ઉપરાંત બિલ્ડિંગમાં માત્ર એક જ સીડી હતી. એટલું જ નહીં, ફ્લેટોની ગેલેરી સહિત અનેક બાજુએ લોખંડની ગ્રીલ લાગેલી હતી, જેના કારણે રેસ્ક્યૂ ઓપરેશનમાં અનેક પડકારો ઉભા થયા હતા.
દિલ્હીના ફાયર ઓફિસર મુકેશ વર્માએ કહ્યું કે, સવારે ૩.૪૭ કલાકે આગ લાગી હોવાનો કોલ આવ્યા બાદ ફાયર બ્રિગેડની અનેક ગાડીઓ સ્થળ પર પહોંચી ગઈ. ફાયર બ્રિગેડની ટીમે પાછળના રસ્તેથી જવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ ગેલેરીઓમાં લોખંડની ગ્રીલ લાગેલી હોવાથી ટીમ જઈ શકી ન હતી. પછી ટીમે આગળની તરફથી અંદર જવાનો પ્રયાસ કર્યો ત્યારે બિલ્ડિંગમાં માત્ર એક જ સીડી હતી. આ દર્દનાક ઘટનામાં ૯ લોકોના મોત તો બિલ્ડિંગમાં ફસાયેલા ૧૫ લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા છે, જ્યારે તેમાંથી બે લોકોને સામાન્ય ઈજા થઈ છે. આગ કયા કારણોસર લાગી તેની તપાસ શરૂ કરી દેવાઈ છે.