Last Updated on by Sampurna Samachar
ઓનલાઈન જાહેરાતો પર લાગુ ૬ ટકા ડિજિટલ ટેક્સ નાબૂદ થશે
યુનિયન બજેટ ૨૦૨૫-૨૬માં ૫૦.૬૫ લાખ કરોડનો ખર્ચ કરવાનો અંદાજ
(સંપૂર્ણ સમાચાર સેવા)
લોકસભામાં ૩૫ સરકારી સુધારા સાથે ફાઈનાન્સ બિલ ૨૦૨૫ને મંજૂરી આપવામાં આવી છે. નાણા મંત્રી ર્નિમલા સીતારમણે લોકસભામાં સંશોધન સાથેનું ફાઈનાન્સ બિલ ૨૦૨૫ રજૂ કર્યું હતું. લોકસભામાં મંજૂરી મળ્યા બાદ હવે રાજ્યસભામાં રજૂ કરવામાં આવશે.
ફાઈનાન્સ (Finance) બિલમાં ૩૫ સુધારાઓ પૈકી એક સુધારો ઓનલાઈન જાહેરાતો પર લાગુ ૬ ટકા ડિજિટલ ટેક્સ નાબૂદ કરવાની જોગવાઈ સામેલ છે. રાજ્યસભામાં બિલને મંજૂરી મળી તો ૨૦૨૫-૨૬ માટેની બજેટ પ્રક્રિયામાં નવા સુધારેલા ફાઈનાન્સ બિલનો સમાવેશ કરવામાં આવશે. યુનિયન બજેટ ૨૦૨૫-૨૬માં સરકારે કુલ રૂ. ૫૦.૬૫ લાખ કરોડનો ખર્ચ કરવાનો અંદાજ મૂક્યો છે. જે ચાલુ નાણાકીય વર્ષ કરતાં ૭.૪ ટકા વધુ છે.
સાત કસ્ટમ ટેરિફ દૂર કરવાની જોગવાઈ
સ્થાનિક ઉત્પાદનને વેગ આપવા તેમજ ટેરિફમાં સુધારો કરવાના ઉદ્દેશ સાથે ફાઈનાન્સ બિલ ૨૦૨૫ રજૂ કરવામાં આવ્યું હતું. ર્નિમલા સીતારમણે જણાવ્યા પ્રમાણે, તેમાં કસ્ટમ ડ્યૂટીમાં ફેરફારો, તદુપરાંત નીચા ઉત્પાદન ખર્ચ અને ડ્યુટીમાં ઘટાડો કરવા સાત કસ્ટમ ટેરિફ દૂર કરવાની જોગવાઈ સામેલ છે.
નવા ફાઈનાન્સ બિલમાં આયાતકારો સેસ અથવા સરચાર્જમાં રાહતનો લાભ મેળવી શકશે. જોકે, બંનેનો લાભ એકસાથે મળશે નહીં. સ્થાનિક ઉત્પાદનને ટેકો આપવા માટે સરકારે ઈવી બેટરી માટે જરૂરી ૩૫ વધારાના કેપિટલ ગુડ્સ અને મોબાઈલ મેન્યુફેક્ચરિંગ માટે જરૂરી ૨૮ કેપિટલ ગુડ્સને કસ્ટમ ડ્યૂટીમાંથી મુક્તિ આપવાની જોગવાઈ છે.