Last Updated on by Sampurna Samachar
ભર ઉનાળે યુરિયાની અછત સર્જાતા ખેડૂતો પરેશાન
યુરિયા ખાતર આવતા જ થઇ જાય છે અદ્રશ્ય
(સંપૂર્ણ સમાચાર સેવા)
ગીર વિસ્તારમાં શિયાળાની શરૂઆતમાં યુરિયા ખાતરની અછત રહેતી હોય છે. પરંતુ આ વર્ષે ભર ઉનાળે યુરિયાની અછત ગીર પંથકમાં સર્જાઈ છે. કોડીનાર પંથકમાં ભર ઉનાળે યુરિયા ખાતરની અછત સર્જાતા ખેડૂતો પરેશાન થઈ રહ્યા છે. ખાતર માટે ખેડૂતો ધમધોકતા તાપમાં અહીં તહીં ભટકી રહ્યા છે તો ખાતર ડેપોમાં ખાતરની ગાડી આવતા જ લાંબી કતાર લાગે છે. ડેપો મેનેજરના મતે ઉપરથી જ ખાતરની આવક નથી. હજુ થોડો સમય અછત રહેશે.
કોણ જાણે કેમ પણ આ વર્ષે ગીર સોમનાથ જિલ્લામાં યુરિયા ખાતરની અછત વર્તાઈ રહી છે. રવિ પાક સમયે પણ યુરિયાની ખૂબ અછત જોવા મળી હતી તો ગીર વિસ્તારમાં પાણીની સુવિધા હોવાથી મગ, અડદ, ચણા અને શેરડીના પાકમાં પણ પાયાના ખાતરની જરૂરિયાત ઉભી થાય છે.
યુરિયા ખાતરના કાળા બજારની વાત સાચી નથી
ઉનાળામાં પહેલી પિયત બાદ ખાતર આવશ્યક બને છે, ત્યારે જ યુરિયા ખાતર ન મળતા ખેડૂતો વિવિધ એગ્રોની દુકાને ફરતા રહે છે. ખાતર ડેપોમાં વર્તમાન સમયમાં DAP અને NPK ખાતર હાલમાં મળી રહે છે, ત્યારે યુરિયાની અછત જોવા મળી રહે છે. ખેડૂતોનું કહેવું છે કે ‘યુરિયા ખાતર આવ્યા ભેગું જ અદ્રશ્ય થઈ જાય છે તો શું સમજવું..?
આગામી વર્ષે કોડીનાર અને તાલાળા પંથકમાં આવેલી સુગર મિલો શરૂ થવાની છે. આથી જિલ્લામાં ૭૦૦૦થી ૮૦૦૦ એકર જમીનમાં ખેડૂતો દ્વારા શેરડીનું વાવેતર કરવામાં આવ્યું છે. આજ સમયે શેરડીમાં પણ યુરિયા ખાતર અનિવાર્ય છે. ત્યારે યુરિયા ન મળવાના કારણે ખેડૂતોને ખુબ જ મુશ્કેલી પડી રહી છે. સામે પાકમાં ઉતારો ઘટવાની ભીતિ પણ ખેડૂતો વ્યક્ત કરી રહ્યા છે.
સાથે ખેડૂતોની માંગ છે કે ‘ સરકાર યુરિયાનું ઉત્પાદન વધારે અથવા તો આયાત કરે અને ખેડૂતોને પૂરતા પ્રમાણમાં જરૂરિયાત મુજબ સહેલાઈથી યુરિયા ખાતર મળી રહે તો ખેડૂતો ખેતી ટકાવી રાખે. જેનો સીધો લાભ આખરે તો દેશને જ મળવાનો છે.
યુરિયા ખાતરની અછત સંદર્ભે અમે જ્યારે ખાતર ડેપોની મુલાકાત લીધી, ત્યારે વાસ્તવિકતા સામે આવી કે યુરિયા ખાતર નથી, કોડીનાર ખરીદ વેચાણ સંઘ દ્વારા સંચાલિત ખાતર ડેપોના મેનેજરનું કહેવું છે કે, ‘હા..યુરિયાની અછત છે જ..એક સપ્તાહમાં એક વખત ખાતરની ગાડી આવે તે ફટોફટ ઉપડી જાય છે.
યુરિયા ખાતરના કાળા બજારની વાત સાચી નથી. પરંતુ યુરિયા ઉપરથી જ ઓછું આવે છે તો દરેક ખેડૂતને આપી શકાતું નથી.‘ ગીર પંથકમાં પાણી સારું હોવાને કારણે ઉનાળુ પાકનું ઉત્પાદન પણ ખેડૂતો દ્વારા સારા એવા પ્રમાણમાં લેવામાં આવે છે. આથી માંગની સામે પુરવઠાની અછત હોવાથી યુરિયા ખાતરની ઘટ પડે છે. ત્યારે ખેડૂતોનો આક્ષેપ છે કે ‘લાગતા-વળગતા અને સારી વગ ધરાવતા લોકોને યુરિયા ખાતર આપી દેવામાં આવે છે. આથી નબળા અને નાના ખેડૂતોને યુરિયા ખાતર ખરીદવામાં મુશ્કેલી પડે છે. સરકાર આ બાબતે ખાસ ધ્યાન આપે તે અનિવાર્ય છે.