Last Updated on by Sampurna Samachar
સારવાર દરમિયાન ભાઈ-બહેનનું મોત
પોલીસે તપાસ શરૂ કરી
(સંપૂર્ણ સમાચાર સેવા)
ઉત્તર પ્રદેશના ગ્રેટર નોઈડામાં કાળજું કંપાવી દે તેવી ઘટના સામે આવી છે. અહીં રાત્રે ખાવાનું ખાધા પછી પરિવારના સભ્યોની તબિયત અચાનક બગડી ગઈ હતી અને ત્યારબાદ તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. આ દરમિયાન ભાઈ-બહેનનું મોત થઈ ગયું હતું, જ્યારે માતાની સારવાર ચાલી રહી છે.

મળતી માહિતી મુજબ, માતા અને બાળકોએ રાત્રે નાળિયેર પાણી, પાસ્તા, બ્રેડ, પપૈયું અને પછી દૂધ પીધું હતું. આ પછી ત્રણેય લોકો સૂઈ ગયા હતા, પરંતુ અચાનક રાત્રે તેમની તબિયત બગડી ગઈ હતી. ત્યારબાદ તાબડતોબ હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા, જ્યાં ૮ વર્ષની દીપાંશી અને ૬ વર્ષના પ્રિન્સનું મોત થયું હતું. જ્યારે બંને બાળકોની માતાની હાલત અત્યારે ગંભીર છે.
ડોક્ટરોએ ત્રણેયની સ્થિતિ ગંભીર ગણાવી
મળતી માહિતી મુજબ ગ્રેટર નોઈડાના રબૂપુરાના શાંતિ નગરના રહેવાસી ૩૫ વર્ષીય રૂબીબેન, તેમની ૮ વર્ષની દીકરી દીપાંશી અને ૬ વર્ષનો દીકરો પ્રિન્સ રાત્રે ખાવાનું ખાઈને સૂઈ ગયા હતા. મોડી રાત્રે અચાનક ત્રણેયની તબિયત બગડવા લાગી હતી. જેના પર પરિવારજનોએ તેમને તરત જ ગ્રેટર નોઈડાની એક ખાનગી હોસ્પિટલમાં દાખલ કર્યા હતા. ડોક્ટરોએ ત્રણેયની સ્થિતિ ગંભીર ગણાવી હતી. સોમવારે સારવાર દરમિયાન પહેલા દીપાંશી અને પછી તેના નાના ભાઈ પ્રિન્સનું મોત થઈ ગયું હતું.
બીજી તરફ ઘટનાની માહિતી મળતા જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. પોલીસે મામલાની તપાસ શરૂ કરી દીધી છે. શરૂઆતની તપાસમાં ત્રણેયની તબિયત અચાનક બગડવાનું કોઈ નક્કર કારણ સામે નથી આવ્યું.
પોલીસના જણાવ્યા મુજબ પરિવારજનોએ અત્યાર સુધી કોઈ ઝેરી પદાર્થ ખાવાની, ઝેરી ખોરાકની કે કોઈ ષડયંત્રની વાત કરી નથી. પોલીસે મામલાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને દરેક પાસાઓની તપાસ શરૂ કરી દીધી છે.