Last Updated on by Sampurna Samachar
તાંત્રિકે ગામના લોકોને ભડકાવ્યા બાદ લોકોએ ભર્યુ આ પગલું
ધરપકડ કરાયેલા તાંત્રિકે પૂછપરછમાં ખુલાસો કર્યો
(સંપૂર્ણ સમાચાર સેવા)
બિહારના પૂર્ણિયામાં આવેલા ટેટગામા ગામમાં ૫ લોકોને જીવિત સળગાવી દેવાની ઘટના પ્રકાશમાં આવી છે. આ હત્યાકાંડમાં હવે નવો ખુલાસો થયો છે. આ ખુલાસામાં જાણવા મળ્યુ છે કે, તાંત્રિકે ગ્રામવાસીઓને ભડકાવ્યા હતા. અને તે બાદ બેકાબૂ ભીડે બાબુલાલ અને તેના પરિવારના સભ્યોને જીવિત સળગાવી દીધા હતા. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. ધરપકડ કરાયેલા તાંત્રિકે પૂછપરછમાં ખુલાસો કર્યો હતો.

સુત્રોથી મળતી માહિતી મુજબ બિહારના પૂર્ણિયામાં આવેલી ટેટગામા ગામમાં પાંચ લોકોને સળગાવ્યા બાદની ઘટનાથી ૨૩ ગામમાં ડરનો માહોલ જોવા મળી રહ્યો છે. આ ઘટના મામલે કોઇ જુબાની આપવા તૈયાર નથી. પોલીસે સ્થાનિકોની પૂછપરછ શરુ કરી હતી. પરંતુ કોઇ સફળતા હાથ લાગી ન હતી. મૃતક બાબુલાલ ઉરાંવ તંત્ર મંત્રનું કામ કરતો હતો. બાબુલાલનો પાડોશી રામદેવ ઉરાંવનો ૮ વર્ષિય બાળક ખેતરમાં કામ કરવા ગયો હતો. બાળક સવારથી ભૂખ્યુ હતુ. અને જ્યારે તે ઘરે આવ્યો ત્યારે તે ઘરમાં ઢળી પડ્યો હતો.
બાબુલાલના પરિવારને જીવિત સળગાવ્યો
બિમાર બાળકને બાદમાં તાંત્રિક નકુલ ઉરાંવ પાસે લઇ જવાયો હતો. અને તેના પર તંત્ર ક્રિયા કરવામાં આવી હતી. પરંતુ આ દરમિયાન તેનું મૃત્યુ થયુ હતુ. બસ આ ઘટનાનો ફાયદો ઉઠાવીને તાંત્રિક નકુલ ઉરાંવે બાળકની મોત બાદ તેના પિતા રાજારામને ભડકાવ્યા હતા. અને કહ્યુ હતુ કે, આ બધી ક્રિયા પાછળ તાંત્રિક બાબૂલાલનો હાથ છે. તેની તાંત્રિક વિધિના કારણે આ બધી પરિસ્થિતિ ઉભી થઇ છે. બાસ બાદમાં તેણે સ્થાનિકોને ભડકાવવાનું કામ શરુ કર્યુ હતુ. અને બાબુલાલના પરિવારને જીવિત સળગાવ્યો હતો.
રાજારામના ઘરમાં વધુ બે બાળકો બિમાર થયા હતા. જે બાદ આ મામલો વકર્યો હતો. આ બાળકોને શરદી-ખાંસી અને તાવ હતો. જેના કારણે તેમની તબિયત ખરાબ થઇ હતી. પરંતુ આના માટે પણ તાંત્રિક વિદ્યા જવાબદાર હોવાનું લોકોએ જણાવ્યુ હતુ.
ગ્રામજનોએ બાબુલાલના પરિવાર પર હુમલો કર્યો હતો. અને તેમની સાથે મારામારી શરુ કરી હતી. ઘરના ૫ સભ્યો પર પેટ્રોલ છાંટીને તેમને જીવતા સળગાવવામાં આવ્યા હતા. આ તમામ મૃતદેહોને ૨ કિમી દૂર દરગાહ ઘેસરિયા બહિયારમાં માટી નાંખીને દાટવામાં આવ્યા હતા.
પોલીસને આ મામલે જાણ થતા તેઓએ આરોપી નકુલ ઉરાંવે ઘટનાસ્થળની માહિતી આપી હતી. પોલીસે તપાસ કરતા તમામ ૫ મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે હૉસ્પિટલ ખસેડ્યા હતા. અને બાદમાં તેઓના અંતિમ સંસ્કાર પણ કર્યા હતા.