Last Updated on by Sampurna Samachar
કંપનીઓ વિરુદ્ધ મની લોન્ડ્રિંગ કેસનો મામલો
યસ બેંકના પ્રમોટરો પણ શંકાસ્પદ
(સંપૂર્ણ સમાચાર સેવા)
દેશના જાણીતા ઉદ્યોગપતિ અનિલ અંબાણીની કંપનીઓ પર ED ના દરોડાની માહિતી સામે આવી છે. આ દરોડા અનિલ અંબાણી ગ્રુપની કંપનીઓ વિરુદ્ધ મની લોન્ડ્રિંગ કેસ સાથે જોડાયેલા મામલામાં મુંબઈમાં દરોડા પાડવામાં આવ્યા હતા.

ED ને તેની તપાસમાં પુરાવા મળ્યા છે કે આ જાહેર નાણાંની ઉચાપત કરવાનું એક સુનિયોજિત કાવતરું હતું. આમાં ઘણી સંસ્થાઓ, બેંકો, શેરધારકો અને રોકાણકારો છેતરાયા હતા. લાંચના એંગલની પણ તપાસ કરવામાં આવી રહી છે, જેમાં યસ બેંકના પ્રમોટરો પણ શંકાસ્પદ છે. ૨૦૧૭ થી ૨૦૧૯ દરમિયાન યસ બેંકમાંથી લેવામાં આવેલી લગભગ ૩,૦૦૦ કરોડ રૂપિયાની લોનમાં ગેરકાયદેસર હેરાફેરી અને દુરુપયોગની શંકા છે.
SBI એ કારણદર્શક નોટિસ મોકલી હતી
અગાઉ, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાએ તાજેતરમાં અનિલ અંબાણીને છેતરપિંડી કરનાર જાહેર કર્યા હતા. આ મહિનાની શરૂઆતમાં, અનિલ અંબાણીની કંપની રિલાયન્સ કોમ્યુનિકેશનના લોન ખાતાને SBI તરફથી મોટો ફટકો પડ્યો હતો.
SBI એ ડિસેમ્બર ૨૦૨૩, માર્ચ ૨૦૨૪ અને સપ્ટેમ્બર ૨૦૨૪માં કંપનીને કારણદર્શક નોટિસ મોકલી હતી. કંપનીના જવાબની સમીક્ષા કર્યા પછી, બેંકે કહ્યું હતું કે અનિલ અંબાણીની કંપનીએ તેની લોનની શરતોનું પાલન કર્યું નથી અને તેના ખાતાઓના સંચાલનમાં થતી અનિયમિતતાઓ વિશે સંપૂર્ણ માહિતી આપી નથી.