Last Updated on by Sampurna Samachar
ભારતની અમેરિકી નિકાસ પર ર્નિભરતા ખૂબ ઓછી
હોંગકોંગનું માર્કેટ ટોપ પર રહ્યું
(સંપૂર્ણ સમાચાર સેવા)
અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા લાદવામાં આવેલા ટેરિફે વિશ્વભરના શેરબજારોમાં હડકંપ મચાવી દીધો છે. વોલ સ્ટ્રીટથી લઈને એશિયા અને યુરોપ સુધીના દરેક બજારમાં જબરદસ્ત વેચવાલી જોવા મળી છે. જોકે, આ ચારેકોર ઘટાડાની વચ્ચે પણ ભારતીય શેરબજારે તુલનાત્મક રીતે સારું પ્રદર્શન કર્યું છે. સેન્સેક્સ અને નિફ્ટી બંનેમાં વિશ્વના અન્ય દેશોની સરખામણીએ મર્યાદિત ઘટાડો જોવા મળ્યો છે.
સૌથી વધુ ઘટાડો એશિયાઈ શેરબજારોમાં જોવા મળ્યો હતો. આમાં પણ હોંગકોંગનું માર્કેટ ટોપ પર રહ્યું. હોંગકોંગનો હેંગસેંગ ઈન્ડેક્સ ૧૩ ટકા સુધી ગગડી ગયો, જે તાજેતરના વર્ષોમાં આમાં થયેલો સૌથી મોટો ઈન્ટ્રાડે ઘટાડો રહ્યો. તાઈવાનનો બેન્ચમાર્ક ઈન્ડેક્સ ૯.૭ ટકા સુધી ગગડ્યો, જે બાદ તેમાં ટ્રેડિંગ રોકવું પડ્યું. જાપનનો નિક્કેઈ ૨૨૫ ઈન્ડેક્સ ૭.૪ ટકા ગગડીને હવે બેર માર્કેટ ઝોનમાં પ્રવેશી ગયો છે.
ભારતીય શેરબજારની સ્થિતિ સારી જોવા મળી
યુરોપિયન બજારોમાં પણ આવો જ માહોલ રહ્યો હતો. જર્મનીનો ઈન્ડેક્સ ખુલતાંની સાથે જ ૧૦ ટકા ગગડી ગયો. જ્યારે ફ્રાન્સનો CAC ૫.૬ ટકા તૂટ્યો અને લંડનનો FTSE ૧૦૦ પણ બપોર સુધી ૪.૭ ટકા નીચે ટ્રેડ કરી રહ્યો હતો. અમેરિકી શેરબજારોના ફ્યુચર્સ પણ દબાણમાં જોવા મળ્યા. ડાઉ ફ્યુચર્સ ૧,૨૦૦ પોઈન્ટ એટલે કે ૩.૩ ટકા નીચે હતા, જ્યારે ૫૦૦ અને નાસ્ડેક ફ્યુચર્સમાં પણ ૪ ટકા સુધીનો ઘટાડો જોવા મળ્યો હતો.
આ બધાની વચ્ચે ભારતીય શેરબજારની સ્થિતિ તુલનાત્મક રીતે સારી રહી હતી. સેન્સેક્સ ૨,૨૨૬ પોઈન્ટ અથવા ૨.૯૫ ટકા ઘટીને ૭૩,૧૩૭ના સ્તરે બંધ થયો. જ્યારે નિફ્ટી ૩.૨૪ ટકા તૂટીને ૨૨,૧૬૧ના સ્તરે બંધ થયો. નિષ્ણાતોનું કહેવું છે કે, ભારતની અમેરિકી નિકાસ પર ર્નિભરતા ખૂબ ઓછી છે અને તે GDP ના લગભગ બે ટકાની બરાબર છે. આના કારણે ટ્રમ્પ ટેરિફની ભારત પર સીધી અસર મર્યાદિત રહેવાની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. આ ઉપરાંત ભારત (BHARAT) ની ડાયવર્સિફાઈડ ટ્રેડ પોલિસીએ પણ તેને અન્ય એશિયાઈ દેશોની સરખામણીમાં વધારે સુરક્ષિત બનાવ્યું છે.