Last Updated on by Sampurna Samachar
તીક્ષ્ણ હથિયારો અને હથોડાનો ઉપયોગ કરીને હુમલો કર્યો હતો
પોલીસ પેટ્રોલિંગ ચુસ્ત બનાવાયું
(સંપૂર્ણ સમાચાર સેવા)
ઉત્તરાખંડની રાજધાની દહેરાદૂનના સહસપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા બૈરાગીવાલા ગામમાં એક યુવાનની ક્રૂર હત્યાનો મામલો સામે આવ્યો હતો. જે બાદ સમગ્ર વિસ્તારમાં કોમી વૈમનસ્ય પ્રવર્તે છે. ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં ભારે રોષ ફેલાયો છે. બેકાબૂ બનેલ ભીડે અનેક મકાનોને નિશાન બનાવ્યા હતા. જોકે, કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે ભારે પોલીસ દળને તહેનાત કરવામાં આવ્યું હતુ.

અહેવાલો અનુસાર, મૃતક વિનોદ, રાજેશ અને અશોકને ગામના પૂર્વ સરપંચ ઇસ્તિફાકના ભત્રીજા ઇમ્તિયાઝ સાથે ઝઘડો થયો હતો. ત્યારબાદ, રઝાક, અમન, યુનુસ અને અનીસ સહિત ૨૦ થી ૨૫ લોકોના ટોળાએ કથિત રીતે તીક્ષ્ણ હથિયારો અને હથોડાનો ઉપયોગ કરીને હુમલો કર્યો હતો. હુમલામાં ગંભીર રીતે ઘાયલ થયેલા વિનોદનું હોસ્પિટલમાં મૃત્યુ થયું હતું, જ્યારે અન્ય બે લોકો હાલમાં સારવાર હેઠળ છે.
ત્રણ આરોપીઓ અને ૨૫ અજાણ્યા વ્યક્તિઓ સામે FIR
આ ઘટના અંગે વિનોદના પિતાએ કડક વલણ અપનાવતા, એવી જાહેરાત કરી કે, જ્યા સુધી આરોપીઓના એન્કાઉન્ટર કરવામાં ના આવે અને તેમના ઘર પર બુલ ડોઝર ફેરવવામાં ના આવે ત્યાં સુધી તેમના પુત્રના અંતિમ સંસ્કાર કરવામાં નહીં આવે.
દહેરાદુનમાં હિન્દુ યુવાનની હત્યા કરી નાખવામાં આવી હોવાના સમાચાર વાયુવેગે ફેલાતા બૈરાગીવાલામાં તણાવ ચરમસીમાએ પહોંચી ગયો છે. ગ્રામજનોએ પોલીસ વહીવટીતંત્ર પ્રત્યે ગુસ્સો વ્યક્ત કર્યો, આરોપ લગાવ્યો કે આરોપીઓ ઘટના પછી પણ મુક્તપણે હરતા ફરતા હતા. દરમિયાન, ગુસ્સે ભરાયેલા ટોળાએ ભારે પથ્થરમારો કરીને અન્ય સમુદાયના ઘરોને નિશાન બનાવ્યા હતા.
આ અથડામણ બાદ ગામમાં કોમી વૈમનસ્ય ફેલાવું છે. એવો આરોપ છે કે ગુસ્સે ભરાયેલા ટોળાએ પહેલા આરોપીઓના ઘરો પર પથ્થરમારો કર્યો અને ત્યારબાદ અનેક ઘરોને આગ લગાડી દીધી. જોકે સમગ્ર વિસ્તારમાં ભારે માત્રામાં પોલીસ દળને તહેનાત કરવામાં આવ્યા છે, અને પરિસ્થિતિ વધુ વણસી ન જાય તે માટે તમામ બાબતો ઉપર બારિકાઈથી નજર રાખવામાં આવી રહી છે. ઉશ્કેરાયેલા ટોળાએ અનેક વાહનોને આગ ચાંપી દેવાનો પણ પ્રયાસ કર્યો.
ઘટનાસ્થળે હાજર પોલીસ કર્મચારીઓ પરિસ્થિતિને નિયંત્રણમાં લાવવા અને બેકાબૂ ટોળાને શાંત પાડવાનો પ્રયાસ કરી રહ્યા છે. ગામમાં પોલીસ પેટ્રોલિંગ વધુ વ્યાપક બનાવવામાં આવ્યું છે, અને સુરક્ષા એજન્સીઓ, સમગ્ર પરિસ્થિતિ પર સતત નજર રાખી રહી છે. આ ઘટનાના સંદર્ભમાં ત્રણ આરોપીઓ અને ૨૫ અજાણ્યા વ્યક્તિઓ સામે કેસ નોંધવામાં આવ્યો છે.