Last Updated on by Sampurna Samachar
દુર્ઘટનામાં ૧૪ લોકોના ડૂબી જવાથી કરુણ મોત
માલશિરસના સ્થાનિક ધારાસભ્ય ઘટનાસ્થળે પહેંચ્યા હતા
(સંપૂર્ણ સમાચાર સેવા)
મહારાષ્ટ્રના સોલાપુરના માલશિરસ વિસ્તારમાં મોટી દુર્ઘટના સર્જાઈ હતી. માહિતી મુજબ મ્હાસવાડ-પંઢરપુર માર્ગ પર તાંડુવાડી ગામ નજીક શ્રદ્ધાળુઓથી ભરેલી એક પિકઅપ ગાડી અચાનક રસ્તા કિનારે આવેલા કૂવામાં ખાબકી હતી. આ ભયાનક અકસ્માતમાં ૧૪ લોકોના ઘટનાસ્થળે જ ડૂબી જવાથી કરુણ મોત નીપજ્યા. ત્યારે તમામ મૃતકો પંઢરપુર વિસ્તારના રંજની ગામના રહેવાસી હોવાનું સામે આવ્યું છે. ઘટનાને પગલે સમગ્ર પંથકમાં શોકનું મોજું ફરી વળ્યું છે.

મળતી માહિતી મુજબ, રંજની ગામના આ શ્રદ્ધાળુઓ મ્હાસવાડ ખાતે સિદ્ધનાથના દર્શન કરવા માટે ગયા હતા. દર્શન કરીને જ્યારે તેઓ પિકઅપ ગાડીમાં પોતાના ગામ પરત ફરી રહ્યા હતા, ત્યારે માલશિરસ તાલુકાના તાંડુવાડી ગામ પાસે આ અકસ્માત નડ્યો હતો. અકસ્માતની જાણ થતાં જ ઘટનાસ્થળે સ્થાનિક લોકોના મોટા ટોળા ઉમટી પડ્યા હતા.
અકસ્માતમાં ૨ લોકોનો ચમત્કારિક બચાવ
અકસ્માતનું ચોક્કસ કારણ હજુ સુધી સત્તાવાર રીતે જાણી શકાયું નથી, પરંતુ પ્રાથમિક અંદાજ મુજબ ડ્રાઇવરે સ્ટેયરિંગ પરથી કાબૂ ગુમાવી દેતાં આ દુર્ઘટના ઘટી હતી. રસ્તાની બિલકુલ કિનારે આવેલો આ કૂવો પાણીથી કાંઠોકાંઠ ભરેલો હતો અને તેની આસપાસ કોઈ સુરક્ષા રેલિંગ પણ નહોતી. જેના કારણે કાબૂ બહાર ગયેલી પિકઅપ ગાડી સીધી કૂવાના પાણીમાં ગરકાવ થઈ ગઈ હતી.
ઘટનાની જાણ થતાં જ પ્રશાસનના ઉચ્ચ અધિકારીઓ કાફલા સાથે ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને યુદ્ધના ધોરણે રાહત કાર્ય શરૂ કરવામાં આવ્યું હતું. આ અકસ્માતમાં ૨ લોકોનો ચમત્કારિક બચાવ થયો છે. માલશિરસના સ્થાનિક ધારાસભ્ય ઉત્તમ જાનકર ઘટનાસ્થળે પહોંચ્યા હતા.
અહેવાલો અનુસાર, પિકઅપ વાહનમાં ઓવરલોડિંગ કરીને મુસાફરો બેસાડવામાં આવ્યા હતા, જેના લીધે શરૂઆતમાં બચાવ કામગીરીમાં પણ ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. પોલીસ પ્રશાસન દ્વારા હાલમાં અકસ્માતનો ગુનો નોંધીને તપાસની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે.