યુવતીને બંજી જમ્પિંગનો શોખ તેને મોતના મુખમાં લઇ ગયો

Share this Article:

Last Updated on by Sampurna Samachar

બ્રાઝિલમાં એડવેન્ચર કંપનીની બેદરકારીથી દર્દનાક મોત

સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ

(સંપૂર્ણ સમાચાર સેવા)

બ્રાઝિલમાં ૨૪ વર્ષની એક યુવતી માટે એડવેન્ચરનો શોખ તેને મોતના મુખમાં લઇ ગયો છે. ઘણાં લોકોને એડવેન્ચર કરવાનો બહુ શોખ હોય છે. પરંતુ અમુક વખતે આ શોખ મોતનુ કારણ બની જાય તેવા કિસ્સા આપણે સાંભળ્યા છે. આવો કિસ્સો બ્રાઝિલમાંથી સામે આવ્યો છે.

પ્રાપ્ત વિગતો અનુસાર આ અકસ્માત સાઓ પાઉલો રાજ્યના લિમેઇરા અને કોર્ડેઇરોપોલિસ શહેરોને જોડતા ‘પોન્ટે ડો એસ્કેલેટો‘ પર થયો હતો. આ પુલ છેલ્લા અંદાજે ત્રણ દાયકાથી બંધ પડ્યો છે, પરંતુ હાલના દિવસોમાં તે એડવેન્ચરના શોખીનો અને પ્રવાસીઓ માટે એક મનપસંદ સ્પોટ બની ગયો હતો. સૌથી આશ્ચર્યજનક બાબત એ છે કે આ જગ્યા પર સરકાર અથવા કોઈ સત્તાવાર સંસ્થાની કોઈ દેખરેખ કે સુરક્ષા રેગ્યુલેશન લાગુ નથી.

અત્યાર સુધીમાં ૬ લોકોની ધરપકડ કરાઇ

સ્થાનિક મીડિયા અહેવાલો અનુસાર, મૃતક મારિયા એડ્યુઆર્ડા રોડ્રિગ્સ ડી ફ્રીટાસે આ ખતરનાક બંજી જમ્પ અને તેનો વીડિયો શૂટ કરાવવા માટે ‘એન્ટ્રે કોર્ડાસ‘ નામની એક ખાનગી કંપનીને અંદાજે ૨૯૦ ડૉલર (લગભગ ૨૪,૫૦૦ રૂપિયા) ચૂકવ્યા હતા. તેને શું ખબર હતી કે જે વીડિયોને તે પોતાની યાદોમાં સમેટવા માંગતી હતી, તે જ તેની જિંદગીનો છેલ્લો વીડિયો સાબિત થશે.

પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, યુવતી પહેલા અન્ય ત્રણ લોકોએ ત્યાંથી જમ્પ લગાવ્યો હતો, જેઓ સુરક્ષિત રહ્યા હતા. પરંતુ જ્યારે આ છોકરીનો વારો આવ્યો, ત્યારે ત્યાં હાજર ક્રૂ મેમ્બર્સે સુરક્ષા નિયમોને સંપૂર્ણપણે નેવે મૂકી દીધા. પ્રત્યક્ષદર્શીઓનું કહેવું છે કે આ ઘોર બેદરકારીનો મામલો છે. ક્રૂ મેમ્બર્સે યુવતીને ધક્કો મારતા પહેલા પ્રાથમિક સુરક્ષા તપાસ પણ ન કરી અને એ ચેક કરવાનું ભૂલી ગયા કે તેનું સુરક્ષા દોરડું યોગ્ય રીતે બંધાયેલું છે કે નહીં.

પુલ પર હાજર અન્ય પ્રવાસીઓએ જ્યારે આ આખી ઘટનાને પોતાના કેમેરામાં રેકોર્ડ કરી, ત્યારે ત્યાંનો નજારો ખૂબ જ ભયાનક હતો. ત્રણ લોકો યુવતીને ઉચકે છે જેમાંથી બે લોકો બ્રિજના છેડે જઈ તેને પુલ નીચે ફેંકી દે છે. ત્યાં ઉભેલા લોકોને તરત જ સમજાઈ ગયું કે તેના પગ કે શરીર સાથે કોઈ દોરડું જોડાયેલું જ ન હતું.

જોતજોતામાં સમગ્ર વિસ્તારમાં ચીસાચીસ થઈ ગઈ. છોકરી સીધી ૩૫ મીટર (અંદાજે ૧૧૫ ફૂટ) નીચે જઈ પડી. ચોંકાવનારી બાબત એ છે કે કંપનીના ઇન્સ્ટ્રક્ટર્સને પોતાની આ ભયાનક ભૂલનો અહેસાસ ત્યારે થયો, જ્યારે છોકરી નીચે પડી ચૂકી હતી.

અકસ્માત બાદ તરત જ ત્યાં હાજર સ્ટાફના હાથ-પગ ફૂલી ગયા. પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યું કે ભૂલનો અહેસાસ થતાં જ આરોપી ઇન્સ્ટ્રક્ટર્સ અને સ્ટાફ ત્યાંથી ભાગવાની ફિરાકમાં હતા. તેઓ ઘટનાસ્થળેથી નીકળવાનો પ્રયાસ કરી જ રહ્યા હતા કે સ્થાનિક પોલીસે તેમને ઘેરી લીધા અને રોકી દીધા. કેટલાક મીડિયા અહેવાલોમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે અત્યાર સુધીમાં ૬ લોકોની ધરપકડ કરવામાં આવી છે.

Share this Article:

Posted By: 

Sampurna Samachar is the fastest-growing Daily Gujarati news Paper and Gujarati News in Gujarat since 2010. Flagship Brand Sampurna Samachar, which bring its dedicated readers the most reliable, authentic and unbiased news among every Gujarati news site. It provides more diverse multimedia content than other linguistic sites. Its dedicated online editorial team delivers exclusive and comprehensive content every day. Besides this, numerous numbers of news from the broad network of Sampurna Samachar Newspapers are available to the Gujarati speaking people who live globally. Our site is updated 24 hours a day so that every core event can reach our readers instantly.