દરેક પાર્ટીએ પ્રચાર માટે પોતાની તમામ તાકાત લગાવી દીધી
(સંપૂર્ણ સમાચાર સેવા)
કેન્દ્રશાસિત પ્રદેશ દિલ્હીની વિધાનસભા ચૂંટણીમાં પ્રચાર માટે હવે ગણતરીના દિવસ બાકી છે. આ છેલ્લા સાત દિવસોમાં સત્તાધારી આમ આદમી પાર્ટીથી લઈને વિપક્ષ ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ સુધી દરેક પાર્ટીએ પ્રચાર માટે પોતાની તમામ તાકાત લગાવી દીધી છે.
મતદાન પહેલા પ્રચાર માટે બાકી રહેલા આ છેલ્લા દિવસોમાં મોટા નેતાઓ અને મોટા સ્ટાર્સ પ્રચારની જંગમાં ઉતરી રહ્યા છે. દિલ્હીમાં આમ આદમી પાર્ટી, વિપક્ષ ભાજપ અને કોંગ્રેસના હેવીવેઈટ નેતાઓની રેલી યોજાવાની છે. મુખ્યમંત્રી પદના ઉમેદવાર અરવિંદ કેજરીવાલે સત્તાધારી આમ આદમી પાર્ટી વતી ચૂંટણી પ્રચારની જવાબદારી સંભાળી છે.
કેજરીવાલની ઉત્તર પૂર્વ દિલ્હીના ઘોંડા અને કરવલ નગર વિધાનસભા ક્ષેત્રોમાં ચૂંટણી રેલીઓ યોજાઇ હતી. આમ આદમી પાર્ટી માટે મેરેથોન રેલીઓ કરી રહેલા કેજરીવાલની ઘોંડા રેલી એટલા માટે પણ મહત્વની માનવામાં આવી રહી છે કારણ કે ભાજપે આ સીટ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ચૂંટણી રેલી નક્કી કરી છે.
એક સમયે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય રહી ચૂકેલા કપિલ મિશ્રા કરવલ નગર વિધાનસભા બેઠક પરથી ભાજપની ટિકિટ પર ચૂંટણી લડી રહ્યા છે. ત્યારે પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન શીખ પ્રભુત્વ ધરાવતી વિધાનસભા બેઠકો પર પ્રચાર કરતા જોવા મળ્યા હતા. પંજાબના મુખ્યમંત્રી માન પૂર્વ દિલ્હી લોકસભા મતવિસ્તારમાં આવતી વિશ્વાસ નગર, ગાંધીનગર અને જંગપુરા બેઠકો પર રેલીઓ કરી. ત્યારે દિલ્હીના પૂર્વ ઉપમુખ્યમંત્રી મનીષ સિસોદિયા આમ આદમી પાર્ટીની ટિકિટ પર જંગપુરાથી ચૂંટણી લડી રહ્યા છે. અરવિંદ કેજરીવાલ અને ભગવંત માન ઉપરાંત રાજ્યસભા સાંસદ સંજય સિંહ અને ક્રિકેટર હરભજન સિંહ પણ આમ આદમી પાર્ટીના ઉમેદવારો માટે પ્રચાર કરશે.
ગૃહમંત્રી શાહનો રોડ શો કસ્તુરબા નગરમાં પ્રસ્તાવિત છે અને તેઓ બદરપુર વિધાનસભા ક્ષેત્રના કાલકાજીમાં ચૂંટણી રેલીને પણ સંબોધિત કરશે. પૂર્વ સાંસદ રમેશ બિધુરી કાલકાજી બેઠક પરથી ભાજપની ટિકિટ પર આમ આદમી પાર્ટીના ઉમેદવાર અને દિલ્હીના મુખ્યમંત્રી આતિશી અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા અલકા લાંબા સામે સ્પર્ધામાં છે.
ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની ત્રણ જાહેર સભાનો પણ પ્રસ્તાવ છે. બીજેપી દ્વારા જાહેર કરાયેલી રેલીઓના કાર્યક્રમ અનુસાર CM યોગી મંગોલપુરી, વિકાસપુરી અને રાજેન્દ્ર નગરમાં જનસભાને સંબોધિત કરશે. ગૃહમંત્રી અમિત શાહ અને CM યોગીની સાથે હરિયાણા સહિત અન્ય રાજ્યોના અગ્રણી ચહેરાઓ પણ ભાજપની તરફેણમાં મતદાન કરવાની અપીલ કરતા જોવા મળશે.
કોંગ્રેસની વાત કરીએ તો પૂર્વ અધ્યક્ષ અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી દિલ્હીના દંગલમાં પ્રવેશ્યા હતા. રાહુલ ગાંધીએ પટપરગંજ અને ઓખલા વિધાનસભા ક્ષેત્રમાં કોંગ્રેસના ઉમેદવારોના સમર્થનમાં ચૂંટણી રેલીઓને સંબોધી કોંગ્રેસે રાહુલ ગાંધી માટે ત્રણ દિવસમાં ત્રણ રેલીનું આયોજન કર્યું હતું પરંતુ તેઓ આમાંથી એકપણ જાહેરસભાને સંબોધવા આવ્યા ન હતા.