Last Updated on by Sampurna Samachar
પેટ્રોલપંપ પર CCTV અને નોટિસ જારી કરવામાં આવી
દિલ્હીમાં પ્રદુષણ ઓછું ફેલાય તે હેતુથી લેવાયો નિર્ણય
(સંપૂર્ણ સમાચાર સેવા)
રાજધાની દિલ્હીમાં જૂની કાર ચલાવવાનો નિયમ વધારે કડક કરવામાં આવ્યો છે. હવે દિલ્હીના પેટ્રોલ પંપ પર વિશેષ કેમેરા લગાવ્યા છે. સાથે જ સ્પીકર અને નોટિસ પણ લગાવવામાં આવી છે. જેમાં કહેવામાં આવ્યું છે કે દિલ્હીમાં જૂના વાહનોને ઇંધણ નહી આપવામાં આવે. સૂચનામાં લખવામાં પણ આવ્યુ છે કે ૧ જુલાઈ, ૨૦૨૫ થી ૧૫ વર્ષ જૂના પેટ્રોલ અને ૧૦ વર્ષ જૂના ડીઝલ વાહનો – અંતિમ જીવનકાળના વાહનો ને બળતણ આપવામાં આવશે નહીં.
મહત્વનું છે કે સરકારે ૧૫ વર્ષ જૂના વાહનો સામે સકંજો કસવાનું શરૂ કરી દીધુ છે. તમામ પેટ્રોલ પંપ પર આ પ્રકારની નોટિસ લગાવવામાં આવી છે. આ ઉપરાંત કેમેરા અને સ્પીકર પણ લગાવ્યા છે. જૂની કાર ચલાવનારને ૧૦ હજારનો દંડ પણ ફટકારાશે.
દિલ્હીવાસીઓએ મિશ્ર પ્રતિસાદ આપ્યો
અધિકારીએ જણાવ્યું કે ૧૫ વર્ષથી જૂના પેટ્રોલ વાહન અને ૧૦ વર્ષથી જૂના ડીઝલ વાહનોને મંગળવારથી ઇંધણ આપવાનું બંધ કરી દેવાયુ છે. પરિવહન વિભાગે EOL વાહનોને એવા વાહનો તરીકે વ્યાખ્યાયિત કર્યા છે જે હવે માન્ય રીતે નોંધાયેલા નથી, પછી ભલે તે પેટ્રોલ, CNG કે ડીઝલ પર ચાલતા હોય. જેમાં ૧૫ વર્ષથી વધારે જૂના પેટ્રોલ વાહન અને ૧૦ વર્ષની વધારે જૂના ડીઝલ વાહનનો સમાવેશ થયા છે.
સરકારે આ નિયમ કડક કર્યાનું કારણ દિલ્હી અને આસપાસના વિસ્તારોમાં વાયુ પ્રદૂષણ ઓછુ કરવાનું છે., CM રેખા ગુપ્તાએ એક્સ પોસ્ટમાં જણાવ્યું કે સાર્વજનિક પરિવહનને ઝડપથી ઇલેક્ટ્રીક વાહનોમાં રૂપાંતરિત કરવામાં આવી રહ્યા છે. જેનાથી ન માત્ર પ્રદૂષણ ઓછુ થશે. પરંતુ દિલ્હી વાસીઓને સ્વચ્છ અને સસ્તુ પરિવહન પણ મળશે. જોકે દિલ્હી વાસીઓમાં આ નિયમને લઇને મિશ્ર પ્રતિસાદ જોવા મળી રહ્યો છે.