Last Updated on by Sampurna Samachar
પતિ-પત્નીએ ભેગાં મળી નવજાત બાળકને જીવતુ જમીનમાં દાટ્યું
બાળકને પહેરાવેલા કપડાં પરથી મળી એક કડી
(સંપૂર્ણ સમાચાર સેવા)
મોરબીના ટંકારા નજીક નવજાત શિશુને જીવતું દાટવાના મામલે ફરાર નિષ્ઠુર દંપતિ આખરે ૨૫ દિવસની શોધખોળના અંતે ઝડપાયું છે. ચાર દિવસના માસૂમ બાળકના કપડાં પર લખેલા બનાસકાંઠાનાં આરોગ્ય કેન્દ્રના નામથી પોલીસને પગેરું મળ્યું હતું. જેમાં રિસામણે બેઠેલી પત્ની સગર્ભા બનતા પતિએ શંકા કરીને કહ્યું હતું કે, ‘પાછું આવવું હોય તો બાળક ન જોઈએ.‘ બન્નેએ જવન્ય કૃત્ય આચર્યું હોવાનું ખુલ્યું છે. જેના આધારે પોલીસે બન્નેની સઘન પૂછતાછ કરવા સહિતની તપાસનો ધમધમાટ ચાલુ કર્યો છે.
મળતી વિગતો અનુસાર ટંકારા તાલુકાના પુનડા ગામની સીમમાં ૧૯ મી માર્ચના રોજ પસાર થતા એક રાહદારીને બાળકના રડવાનો અવાજ આવ્યો હતો. તેમણે અન્ય લોકોની મદદથી શોધખોળ કરતા સૌના આશ્ચર્ય વચ્ચે જમીનમાં દાટી દેવાયેલી હાલતમાં જીવિત નવજાત શિશુ મળ્યું હતું. આ માસુમ બાળકને મોરબી સરકારી હોસ્પિટલમાં ખસેડીને ટંકારા પોલીસ મથકમાં અજાણી માતા સામે ગુનો નોંધવામાં આવ્યો હતો.
૮૦ જેટલા CCTV તપાસતાં મળ્યુ એક કનેક્શન
પ્રાથમિક તપાસમાં બાળકને પહેરાવેલા ઝબલા પર બનાસકાંઠા જિલ્લાના ભાભોર આરોગ્ય કેન્દ્રનું નામ લખ્યું હોવાથી પોલીસને એક કડી મળી હતી, પણ ત્યાં જઈને તપાસ કરતા ગુનાહીત કૃત્ય આચરનાર માતા-પિતાનો કોઈ અતોપતો લાગ્યો ન હતો.
ક્રાઈમ બ્રાન્ચની ટીમે પણ તપાસમાં ઝંપલાવી ૮૦ જેટલા CCTV ની ચકાસણી કરતા એક મહિલા અને એક પુરુષ માસુમ બાળક સાથે જોવા મળ્યા હતા. જેના આધારે જે-તે સમય અને સ્થળના મોબાઈલ ફોન નંબરો ટ્રેસ કરીને ફોન ID ની તપાસ કરતા બાળકને જમીનમાં દાટી દેનાર આરોપી રમેશ ઠાકોર અને દક્ષા રમેશ ઠાકોર નામનું દંપતી બનાસકાંઠા જિલ્લાના ભાભર ગામનું જ હોવાનું સ્પષ્ટ બન્યું હતું.
જોકે, ચાલાક દંપતીએ બાળકને જમીનમાં દાટી દીધા બાદ સીમકાર્ડ ફેંકી દીધા હતા. આરોપીએ વારંવાર નવા સીમકાર્ડ બદલતા હોવાથી તેમને શોધવાનું પડકારજનક બન્યું હતું. પરંતુ ક્રાઈમ બ્રાન્ચની ટીમે સતત મોબાઈલ ટ્રેક કરવાનું ચાલુ રાખીને ૧૩મી એપ્રિલ પાસેથી પતિ-પત્નીને ઝડપી લીધા હતા. આ નિષ્ઠુર દંપતીની પૂછપરછ કરતા આ ગુનાની કબૂલાત કરી હતી.
બન્ને પતિ-પત્ની હોવા છતાં બાળકને મોતના મુખમાં ધકેલી દેવાના કારણ અંગે પોલીસ તપાસમાં ખુલ્યું કે, આરોપી રમેશ અને દક્ષાના લગ્ન બાદ ગૃહકંકાશ ચાલતો હતો, જેથી દક્ષા રિસામણે ચાલી ગઈ હતી અને બાદમાં ગર્ભવતી બની હતી. જેથી પતિ રમેશે શંકા કરીને કહ્યું હતું કે, ‘આ બાળક મારુ નથી, જો તારે મારી પાસે પાછું આવવું હોય તો આ બાળક ન જોઈએ.‘ જેથી ભાભોર આરોગ્ય કેન્દ્રમાં બાળક આવ્યા બાદ ટંકારા નજીક બન્નેએ જરા પણ ખચકાટ વગર માત્ર ચાર દિવસના પોતાના નવજાત બાળકને જીવિત હાલતમાં દાટીને નાસી ગયા હતા. જે અંગેની કબુલાતના આધારે પોલીસે વધુ તપાસ આરંભી છે.