Last Updated on by Sampurna Samachar
આરોપીએ વેપારી સામે દુષ્કર્મની ફરિયા કરવાની ધમકી આપી હતી
નિલમબાગ પોલીસ મથકે નોંધાઇ ફરિયાદ
(સંપૂર્ણ સમાચાર સેવા)
મહિલાઓ પુરુષોને હનીટ્રેપમાં ફસાવીને બ્લેકમેલ કરતી હોવાના ગુનાઓ સમયાંતરે પોલીસ સ્ટેશનમાં નોંધાતા રહે છે. આવી જ એક ઘટના ભાવનગર શહેરના એક વેપારી સાથે બનવા પામી હતી. જેમાં એક મહિલા અને તેના સાગરિતોએ વેપારીને હનીટ્રેપમાં ફસાવવાની ધમકી આપી રૂપિયા પડાવ્યા હતા. બાદમાં ભોગ બનનાર વેપારીએ નિલમબાગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી અને આ મામલે પોલીસે તપાસ શરૂ કરી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, ભાવનગરમાં રહેતા વેપારી થોડા સમય પહેલા એક મહિલાના સંપર્કમાં આવ્યા હતાં. જે બાદ મહિલાએ વેપારીને હનીટ્રેપમાં ફસાવવાની ધમકી આપી અને ૧૦ લાખ રૂપિયાની માંગણી કરી હતી. આરોપી અંકિતા પટેલ અને તેના પતિ ભાર્ગવ પટેલ અને શક્તિસિંહ નામના વ્યક્તિએ હનીટ્રેપ (honeytraps) નું કાવતરું ઘડ્યું હતું. જે બાદ અંકિતા પટેલે કામના બહાને વારંવાર વેપારીને ફોન કરીને વિશ્વાસ જીત્યો હતો. તેમજ શારીરિક સંબંધો બાંધ્યા બાદ અંકિતા પટેલે બળાત્કારની ફરિયાદ કરાવવાનું કહી ડરાવી રૂપિયા ૧૦ હજાર રૂપિયા પડાવ્યા હતાં.
૧૦ લાખ રૂપિયાની માંગણી કરી
આરોપી અંકિતા, તેના પતિ ભાર્ગવ પટેલ અને શક્તિ સિંહ નામના શખ્સોએ સમગ્ર મામલો રફેદફે કરવા માટે ૧૦ લાખ રૂપિયાની માંગણી કરી હતી. ઝઘડા બાદ આખરે ૫ લાખ રૂપિયા આપવાનું નક્કી થયું અને પૈસા નહીં આપવામાં આવે તો આરોપીએ વેપારી સામે બળાત્કારનો કેસ દાખલ કરવાની ધમકી આપી હતી. જે બાદ એ પણ સામે આવ્યું છે કે આરોપીએ વેપારીને માર માર્યો હતો. ઉપરાંત, આરોપી ભાર્ગવ અને શક્તિસિંહ પણ પૈસા લેવા માટે વારંવાર વેપારીની દુકાને ગયા હતા.
આખરે આરોપીઓના ત્રાસથી કંટાળીને વેપારી પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા અને પોલીસને સમગ્ર વિગત જણાવી ગુનો નોંધ્યો હતો. નિલમબગ પોલીસે તાત્કાલિક આરોપી અંકિતા પટેલ, ભાર્ગવ પટેલ અને શક્તિ સિંહ વિરુદ્ધ ગુનો નોંધીને તેમની શોધખોળ આદરી છે.