Last Updated on by Sampurna Samachar
કન્હૈયા કુમાર સાથે સેલ્ફી લેવાના ચક્કરમાં ભારે બબાલ થઈ
વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો
(સંપૂર્ણ સમાચાર સેવા)
બિહારમાં અરરિયા જિલ્લામાં કોંગ્રેસની ‘પલાયન રોકો, નૌકરી દો યાત્રા’માં કોંગ્રેસ નેતા કન્હૈયા કુમાર સાથે સેલ્ફી લેવાના ચક્કરમાં ભારે બબાલ થઈ છે. અહીં કેટલાક કાર્યકર્તાઓ કન્હૈયા કુમાર પાસે સેલ્ફી લેવા તેમની નજીક ગયા હતા. આ દરમિયાન તેમના સુરક્ષા કર્મીઓએ અટકાવવાનો પ્રયાસ કરતા કેટલાક કાર્યકર્તાને ધક્કો લાગતા મામલો બિચક્યો હતો. તેથી સુરક્ષા કર્મીઓ અને કાર્યકર્તાઓ વચ્ચે મારામારી થયાનું પણ કહેવાય છે. બીજી તરફ કોંગ્રેસે પણ રેલીમાંથી નીકળી જવા મુદ્દે કન્હૈયા કુમારનો બચાવ કર્યો છે.
પાર્ટીના કાર્યકર્તાના જણાવ્યા અનુસાર, કોંગ્રેસની યાત્રા એસએસબી પરિસર પાસે પહોંચી, ત્યારે કેટલાક કાર્યકર્તાઓ સેલ્ફી લેવા માટે એક-બીજાને ધક્કા મારી રહ્યા હતા. આ દરમિયાન સુરક્ષા કર્મીઓ અને કાર્યકર્તાઓ વચ્ચે વિવાદ થયો હતો, જેના કારણે કુમારે અધવચ્ચે જ યાત્રા છોડીને જતું રહેવું પડ્યું છે. ઘટનાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે, કે આ વીડિયોની કોઈ પુષ્ટિ કરવામાં આવી નથી.
બિહાર વિધાનસભા ચૂંટણી આ વર્ષના અંતે યોજાશે
આ ઘટના અરરિયા સ્થિત એસએસબી પરિસર પાસે બની છે. પશ્ચિમ બંગાળ જિલ્લાના ભિતિહરવા આશ્રમથી ૧૬મી માર્ચે કોંગ્રેસની યાત્રા શરૂ થઈ હતી. આ તે જ જગ્યા છે, ત્યાં મહાત્મા ગાંધીએ ૧૯૧૭માં પ્રસિદ્ધ ચંપારણ સત્યાગ્રહ શરૂ કર્યો હતો. કોંગ્રેસની આ યાત્રાના ૧૫ માં દિવસે કુમાર અરરિયા પહોંચ્યા હતા. અરરિયા જિલ્લાના કોંગ્રેસ અધ્યક્ષ જાકિર અનવરે કુમારનો બચાવ કરતા મીડિયાને કહ્યું કે, ‘કન્હૈયા કુમારની પાર્ટીના ટોચના નેતા સાથે મહત્ત્વની બેઠક હોવાથી, તેમણે અધવચ્ચે જ યાત્રા છોડીને જવું પડ્યું છે.
જાકિર અનવરે કહ્યું કે, ‘આ યાત્રા બિહારના યુવાઓના અધિકારો અને રોજગારની લડાઈ માટે યોજાઈ છે. યાત્રા ૨૪ દિવસ સુધી યોજાશે, જે ત્રણ તબક્કામાં આખા રાજ્યભરમાંથી પસાર થશે અને ૧૪ એપ્રિલે બાબાસાહેબ આંબેડકર જ્યંતીએ યાત્રાનું પટણામાં સમાપન થશે. યાત્રામાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પણ સામેલ થવાની સંભાવના છે. બિહાર વિધાનસભા ચૂંટણી આ વર્ષના અંતે યોજાવાની છે.