Last Updated on by Sampurna Samachar
પૂર્વ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર સિંહ હુડ્ડાએ કર્યો દાવો
હુડ્ડાએ કૅપ્ટનને પોતાના જૂના મિત્ર અને વરિષ્ઠ સાથી ગણાવ્યા
(સંપૂર્ણ સમાચાર સેવા)
પંજાબમાં ૨૦૨૭ ની વિધાનસભા ચૂંટણી પહેલા ભાજપને ઝટકો લાગે તેવા એંધાણ છે. હરિયાણાના પૂર્વ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર સિંહ હુડ્ડાએ દાવો કર્યો છે કે, પૂર્વ મુખ્યમંત્રી કૅપ્ટન અમરિન્દર સિંહ કોંગ્રેસના સંપર્કમાં છે. હુડ્ડાએ કૅપ્ટનને પોતાના જૂના મિત્ર અને વરિષ્ઠ સાથી ગણાવ્યા છે, જેના કારણે કૅપ્ટનની કોંગ્રેસમાં વાપસીની અટકળો તેજ થઈ છે.

ભૂપેન્દ્ર સિંહ હુડ્ડાના આ દાવા પર પંજાબ ભાજપના પ્રવક્તા પ્રિતપાલ સિંહ બલિયાવાલે પ્રતિક્રિયા આપી છે. તેમણે જણાવ્યું કે, માત્ર સંપર્કમાં હોવું કોઈ મોટી વાત નથી અને આ બાબતના અન્ય કોઈ અર્થ ન કાઢવા જોઈએ. તેમણે કટાક્ષ કરતાં એમ પણ ઉમેર્યું કે, રણદીપ સુરજેવાલા અને કુમારી શૈલજા તો એવું કહે છે કે, હુડ્ડા પોતે જ કોઈના સંપર્કમાં નથી રહેતા.
કૅપ્ટન ભાજપમાં અવગણના અનુભવી રહ્યા છે
કૅપ્ટન અમરિન્દર સિંહ ભાજપની કામગીરી નારાજ હોવાનું મનાય છે. તેમનું કહેવું છે કે, કોંગ્રેસમાં પંજાબના ર્નિણયો લેતી વખતે તેમની સલાહ લેવાતી હતી, જ્યારે ભાજપમાં હાઇકમાન્ડ સીધા ર્નિણયો લે છે. પંજાબ ભાજપના પ્રમુખ તરીકે માત્ર ધિલ્લોનની નિમણૂક કરતી વખતે પણ તેમની કોઈ સલાહ લેવામાં આવી ન હતી.
કૅપ્ટને તાજેતરમાં જ કહ્યું હતું કે, તેઓ આજે પણ કોંગ્રેસને મિસ કરે છે અને તેને એક પરિવાર સમાન ગણે છે. તેમણે ઉમેર્યું કે તેમના જન્મદિવસ પર અને ભાઈ રણધીરના અવસાન પર રાહુલ ગાંધીએ સંદેશો મોકલ્યો હતો, પરંતુ ભાજપમાંથી કોઈએ સંવેદના પણ વ્યક્ત કરી ન હતી.
કૅપ્ટન અમરિન્દર સિંહ પંજાબ ચૂંટણી માટે અકાલી દળ સાથે ગઠબંધન કરવાના પક્ષમાં છે. જોકે, ભાજપ નેતૃત્વ તમામ ૧૧૭ બેઠકો પર એકલા હાથે ચૂંટણી લડવાની જાહેરાત કરી ચૂક્યું છે. આ મતભેદોના કારણે કૅપ્ટન ભાજપમાં અવગણના અનુભવી રહ્યા છે.
આ રાજકીય હલચલ વચ્ચે પૂર્વ અધ્યક્ષ કે.અન્નામલાઈ પણ પક્ષમાંથી રાજીનામું આપે તેવી ચર્ચા છે. જાેકે, હજુ તેમનું રાજીનામું સ્વીકારાયું નથી. એવી અટકળો છે કે, અન્નામલાઈ નવો રાજકીય પક્ષ બનાવી શકે છે, પરંતુ તેમણે હજુ સુધી કોઈ સત્તાવાર યોજના જાહેર કરી નથી.