Last Updated on by Sampurna Samachar
કિરેન રિજિજુના આ નિવેદનથી રોષે ભરાયા
સાંસદ કોઈપણ ધર્મના હોઈ શકે
(સંપૂર્ણ સમાચાર સેવા)
કોંગ્રેસ નેતા અને સહારનપુરના સાંસદ ઈમરાન મસૂદ વક્ફ સંશોધન બિલમાં પ્રસ્તાવિત સેન્ટ્રલ વક્ફ કાઉન્સિલમાં નોન-મુસ્લિમ સભ્યોની નિમણૂકની જોગવાઈ મુદ્દે ભડકી ઉઠ્યા છે. તેમણે રોષમાં આવી કહ્યું કે, હું રામજીનો વંશજ છું. મને પણ રામ મંદિર ટ્રસ્ટમાં સામેલ કરો.
લઘુમતી બાબતોના મંત્રી કિરેન રિજિજુએ લોકસભામાં વક્ફ સંશોધન બિલ રજૂ કરતાં નિવેદન આપ્યું હતું કે, વક્ફ બોર્ડ ધર્મ વ્યવસ્થા સાથે સંકળાયેલું નથી. જેમાં ૮ લાખથી વધુ પ્રોપર્ટી સામેલ છે. જેનું મેનેજમેન્ટ કરવાનું છે. જેથી ધર્મના આધારે તેનું સંચાલન કરી શકાય નહીં. કોઈપણ વ્યક્તિ તેનું મેનેજમેન્ટ કરી શકે છે. કિરેન રિજિજુના આ નિવેદનથી કોંગ્રેસના નેતા ઈમરાન મસૂદ રોષે ભરાયા હતા.
વક્ફની કમાણીથી ગરીબ લોકોની મદદ થાય
કિરેન રિજિજુએ જણાવ્યા પ્રમાણે, સેન્ટ્રલ વક્ફ (WAQF) કાઉન્સિલમાં ૨૨ સભ્યો હશે, જેમાં ૧૦ મુસ્લિમ અને મહત્તમ ચાર નોન-મુસ્લિમ સભ્ય રહેશે. જેમાં બે મહિલાઓ પણ સામેલ થશે. વક્ફ કાઉન્સિલમાં સાંસદ, સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટના નિવૃત્ત જજ, પૂર્વ નોકરશાહ અને વકીલ પણ સામેલ થશે. સાંસદ કોઈપણ ધર્મના હોઈ શકે છે.
ઈમરાન મસૂદે NDA સરકારને પૂછ્યું કે, અમારી સાથે તમારે શું દુશ્મની છે. તમે કેમ અમને બરબાદ કરવા માંગો છો. વક્ફની કમાણીથી ગરીબ લોકોની મદદ થાય છે. વક્ફ બોર્ડમાં કુલ ૨૨ માંથી ૧૨ થી વધુ નોન મુસ્લિમ લોકો સામેલ થશે, તો તેઓ શું કરશે. તમે મને રામ મંદિરના ટ્રસ્ટમાં સામેલ કરાવી દો. હું પણ રામજીનો વંશજ છું. શું મને એન્ટ્રી આપશો. તમે પુરાવો માંગશો, હું સાબિત કરી દઈશ કે હું રામજીનો વંશજ છું.
ઈમરાન મસૂદે વક્ફ સંશોધન બિલ ૨૦૨૫ મામલે ચંદ્રબાબુ નાયડુ (ટીડીપી), નીતિશ કુમાર (જેડીયુ), ચિરાગ પાસવાન અને જયંત ચૌધરીને ચેતવણી આપી છે કે, જો તમે મુસ્લિમ મતની ઈચ્છા રાખો છો, તો અમારી સાથે ઉભા થઈ જાવ. નહીં તો મુસલમાન માફ નહીં કરે. આ મુસલમાન માટે ગંભીર મુદ્દો છે.