Last Updated on by Sampurna Samachar
૬૨ હજાર લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડ્યા
હાલમાં ભારે વરસાદના કારણે અનેક વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ
(સંપૂર્ણ સમાચાર સેવા)
ચીનમાં શક્તિશાળી ટાઈફૂન અને સતત ભારે વરસાદના કારણે અનેક વિસ્તારોમાં પૂરથી તબાહી સર્જાઇ છે. દરમિયાન લિયુલાન ડેમમાં મોટી તિરાડ પડતાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ફરી વળ્યું હતું. પરિસ્થિતિને ગંભીર માનતા સ્થાનિક વહીવટીતંત્રે અસરગ્રસ્ત વિસ્તારોમાં ઈમરજન્સી જાહેર કરી હતી અને હજારો લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવાની કાર્યવાહી હાથ ધરી હતી.

વાત કરીએ તો ભારે વરસાદ બાદ લિયુલાન ડેમમાં મોટી તિરાડ જોવા મળી હતી. જેના પગલે આસપાસના વિસ્તારોમાં પૂરનું જોખમ વધી ગયું હતું. સત્તાવાળાઓએ તાત્કાલિક બચાવ કામગીરી શરૂ કરીને અંદાજે ૪૮ હજારથી ૬૨ હજાર લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડ્યા હતા. કેટલાક લોકો પૂરનાં પાણીમાં ફસાયા હોવાના અહેવાલો પણ સામે આવ્યા છે, જોકે સત્તાવાર રીતે જાનહાનિ અંગે સંપૂર્ણ માહિતી જાહેર કરવામાં આવી નથી.
લિયુલાન ડેમનું નિર્માણ વર્ષમાં થયુ હતું
ડેમને થયેલા નુકસાનના કારણે અનેક ગામો અને નાના શહેરોમાં પાણી ઘૂસી ગયું હતું. રસ્તાઓ પર પાણી ભરાઈ જતાં વાહનવ્યવહાર ખોરવાયો હતો, જ્યારે અનેક વિસ્તારોમાં વીજ પુરવઠો પણ પ્રભાવિત થયો હતો. બચાવ અને રાહત કામગીરી માટે સ્થાનિક પ્રશાસન, આપત્તિ વ્યવસ્થાપન ટીમો અને અન્ય એજન્સીઓ સતત કાર્યરત છે.
નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, જળવાયુ પરિવર્તનના કારણે અતિભારે વરસાદ અને પૂર જેવી કુદરતી આફતોની આવર્તનતા વધી રહી છે. આવી સ્થિતિમાં મોટા ડેમોની નિયમિત તકનીકી તપાસ, સમયસર જાળવણી અને જરૂરિયાત મુજબ નિયંત્રિત રીતે પાણી છોડવાની વ્યવસ્થા અત્યંત જરૂરી બની ગઈ છે. આ ઘટનાએ ફરી એકવાર ડેમોની સુરક્ષા અને આપદા વ્યવસ્થાપન અંગે ગંભીર ચર્ચા શરૂ કરી છે.
લિયુલાન ડેમનું નિર્માણ વર્ષ ૧૯૫૮માં શરૂ થયું હતું અને ૧૯૬૦માં પૂર્ણ થયું હતું. આશરે ૧૧૧.૨૦ મીટર ઊંચો આ ડેમ સિંચાઈ, પૂર નિયંત્રણ, જળવિદ્યુત ઉત્પાદન અને માછલી પાલન જેવા અનેક હેતુઓ માટે ઉપયોગમાં લેવાય છે. તેની જળસંગ્રહ ક્ષમતા અંદાજે ૯૧થી ૯૫ મિલિયન ઘનમીટર હોવાનું જણાવાય છે.
ચીન વિશ્વના સૌથી મોટા ડેમો માટે જાણીતું છે, પરંતુ ભારત પણ આ ક્ષેત્રમાં પાછળ નથી. ઉત્તરાખંડનો ટેહરી ડેમ, હિમાચલ પ્રદેશ-પંજાબનો ભાખડા નાંગલ ડેમ અને ગુજરાતનો સરદાર સરોવર ડેમ દેશના સૌથી મહત્વપૂર્ણ બહુઉદ્દેશીય પ્રોજેક્ટોમાં સામેલ છે. આ ડેમો સિંચાઈ, પીવાનું પાણી, વીજ ઉત્પાદન અને પૂર નિયંત્રણમાં મહત્વપૂર્ણ યોગદાન આપી રહ્યા છે. ચીનની આ ઘટનાએ વિશ્વભરના મોટા ડેમોની સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરવાની જરૂરિયાત પર ફરી ભાર મૂક્યો છે.